નાડાપામાં પત્રકારના નામે નાણા ખંખેરનાર શખ્સો બે દિવસના રિમાન્ડ પર

પોલીસે કેસ સંદર્ભે પુરાવા એકત્ર કરવા સહિત અન્ય કેટલા લોકો પાસેથી વસુલાત કરાઈ છે તેની આદરી તપાસ

ભુજ : તાલુકાના નાડાપા ગામે ખેતીની જમીનમાં જેસીબીથી વાડ બનાવી રહેલા ચાલક અને માલિકનો વીડિયો બનાવી વાહન જપ્ત કરાવવાની ધમકી આપીને બે મીડિયા કર્મચારીઓએ રૂપિયા ૧ લાખ ર૦ હજાર પડાવ્યા હતા. જે અંગે પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સ્વતંત્ર ભૂમિ ન્યુઝના પત્રકાર એવા આરોપી ભાવેશ ડાંગર અને ભુજના જયદીપગિરિ ગુંસાઈએ રૂપિયા ૪થી પ લાખની માંગણી કરી હતી. અંતે ભોગ બનનાર પાસેથી રૂપિયા ૧ લાખ ર૦ હજાર પડાવ્યા હતા. આરોપીઓ પૈકી એકે કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જે કોર્ટે ફગાવતા બન્ને આરોપીઓની પોલીસે અટક કરી હતી. બનાવ અંગેની પુરક વિગતો આપવા ડીવાયએસપી જે.એન પંચાલ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં શ્રીપંચાલે જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદીને ડરાવી ધમકાવી સાહેદો પાસેથી રૂપિયા 50-50 હજાર બે વખત અને એક વખત 20 હજાર મળીને કુલ 1 લાખ 20 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ રીતે ધાકધમકી કરીને રૂપિયા પડાવ્યાનો વિડિયો ફરિયાદીએ પોતાના મોબાઈલમાં લીધો હતો. તેમજ ઓડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. ત્યારે ફરિયાદી પક્ષે ઉભા કરેલા પુરાવાઓ પોલીસે એકત્ર કર્યા છે. અને આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે અલગ અલગ સ્થળોએ મંદિરોમાં આશ્રય લેતા હતા. જેમાં રાપર વ્રજવાણી અને ચંગલેશ્વર સહિતના સ્થળોએ છુપાયા હતા. ફરિયાદી પાસેથી પુરાવા કબ્જે કરીને વિડિયો રેકોર્ડિંગ આરોપીઓને બતાવવામાં આવતા જયદિપગિરિ વિડિયોમાં રકમ સ્વીકારતા રંગેહાથ જોવા મળે છે. જો કે આરોપીએ વિડિયોમાં પોતે ન હોવાનું જણાવ્યુ હતું. એ જ વિડિયો આરોપી ભાવેશને બતાવતા તેણે વિડિયોમાં આરોપી જયદિપગિરિ હોવાની ઓળખ આપે છે. બન્ને આરોપીઓએ ફરિયાદી પાસેથી લીધેલી રકમની ભાગબટાઈ કરી હતી. જે રકમ રિકવર કરવા ઉપરાંત આરોપીએ અન્ય કોઈ પાસેથી આ પ્રકારે ગેરકાયદેસર ઉઘરાણા કર્યા છે કે કેમ તેની તપાસ પણ કરાશે. આ માટે આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમા રજૂ કરાયા હોવાનુ ડીવાયએસપી જે.એન પંચાલે જણાવ્યું હતું. તો પધ્ધર પીએસઆઈ એસ.આર જાડેજાને આ અંગે પુછતા તેમણે કહ્યુ હતું કે, આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.