નાઈટ કર્ફયુ : કચ્છ એસટીના ૭પ શીડ્યુઅલ રદ્‌

સૌરાષ્ટ્ર, સુરત, વડોદરા, અમદાવાદના એકસપ્રેસ રૂટોને પહોંચી અસર : લોકલ રૂટોના ટાઈમીંગમાં પણ કરાયા ફેરફાર

ભુજ : ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યું હોઈ પોઝિટીવ કેસનો આંક સતત ઉંચકાતો જઈ રહ્યો છે. કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા ર૦ શહેરોમાં ગત રાત્રીથી નાઈટ કર્ફયુ અમલી બનાવેલ છે. સરકાર દ્વારા આ ર૦ શહેરોમાં રાત્રીના આઠ થી સવારના છ સુધીની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયના પગલે એસટી નિગમ દ્વારા બસોના રૂટો કેન્સલ કરવાની સાથોસાથ શીડયુઅલમાં પણ ફેરફાર કરાયા છે ત્યારે કચ્છ એસટી દ્વારા પણ ૭પ શીડયુઅલ રદ્‌ કરાયા છે.આ અંગેની વિગતો મુજબ વૈશ્વિક મહામારી કોરોનાના પગલે રાજ્ય સરકારે કચ્છના બે સહિત રાજ્યના ર૦ શહેરોમાં ૩૦ એપ્રીલ સુધી નાઈટ કર્ફયુની જાહેરાત કરી છે, જેના પગલે સરકારના આદેશનો કડક પણે અમલ કરાવવા માટે તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે. કચ્છના મુખ્ય મથક ભુજ અને ગાંધીધામમાં ગઈકાલે પ્રથમ દિવસથી કર્ફયુની કડક પણે અમલવારી કરાવાઈ હતી. કર્ફયુના પગલે કચ્છ એસટી દ્વારા પણ રૂટો રદ્‌ કરવાની સાથે બસોના ટાઈમીંગમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. કચ્છ એસટીના વિભાગીય નિયામક ચંદ્રકાન્ત મહાજને આપેલી વિગતો મુજબ સૌરાષ્ટ્ર, સુરત, વડોદરા, અમદાવાદના એકસપ્રેસ રૂટોના ૭પ શીડયુઅલ રદ્‌ કરવામાં આવ્યા છે. લોકલ રૂટોના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરાયા છે.