નાઈટ કફર્યુના એલાનથી ભુજની કરીયાણાની દુકાનોમાં ભીડ

જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટ્યા : દિવસ દરમ્યાન તમામ પ્રવૃતિઓ રાબેતા મુજબ રહેવાની હોવા છતાં લોકોમાં ભય : બજારોમાં પણ ઉમટી ભીડ

ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાના પ્રસરી રહેલા સંક્રમણને પગલે પોઝીટીવ કેસનો આંક રાજ્યભરમાં ઉચકાઈ રહ્યો છે. કોરોનાની સ્થિતિને જોતા હરકતમાં આવેલી રાજ્ય સરકારે ર૦ શહેરોમાં ૩૦ એપ્રિલ સુધી નાઈટ કફર્યુનું એલાન કર્યું છે. કચ્છના ભુજ તેમજ ગાંધીધામ શહેરનો પણ તેમાં સમાવેશ કરાયો છે. ત્યારે આ એલાનને પગલે ભુજની કરીયાણાની દુકાનોમાં ગતરાત બાદ આજે સવારે પણ લોકોની ભીડ જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલ નાઈટ કફર્યુ રાત્રીના ૮થી સવારે ૬ સુધી અમલમાં રહેશે એટલે કે દિવસ દરમ્યાન તમામ પ્રવૃતિઓ રાબેતા મુજબ જ રહેવાની હોવા છતાં ભયના માર્યા લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે દોડ લગાવી રહ્યા છે. ગતરાત્રીના પણ શહેરના મોલ તેમજ દુકાનો બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આજ સવારથી પણ શહેરની અનેક દુકાનોમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.