નલિયા ખાતે નમો કોવિડ આઈસોલેશન સેન્ટરની કલેક્ટરે લીધી મુલાકાત

છેવાડાના દર્દીઓને અપાતી આરોગ્ય સેવા સહિત અનુસંગિક સુવિધાઓ અંગે કર્યું નિરીક્ષણ

નલિયા : સરહદી કચ્છના છેવાડાના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે કાર્યરત કરાયેલા નમો કોવિડ આઇશોલેશન સેન્ટરની કલેકટર પ્રવીણા ડી.કે દ્વારા મુલાકાત લેવાઈ હતી. તેમની સાથે પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત તેમજ અબડાસા મામલતદાર શ્રીડામોર સહિતના જોડાયા હતા. અને આઈસોલેશન સેન્ટરની વિગતો આપી હતી. કલેક્ટરે આ મુલાકાત દરમિયાન કોવિડ સેન્ટરમાં દર્દીઓની સારવાર તેમજ ભોજન સહિતની આનુસંગિક વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી મેળવીને અહીં ચાલતી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ આ કામગીરી બદલ સંચાલકોને અભિનંદન આપ્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયાસોથી સાંઘી ઇન્ડસ્ટ્રીઝના આર્થિક સહયોગથી ગત 7મી મેથી કોવિડ સેન્ટર કાર્યરત થયું હતું. આ સેન્ટર પરથી અત્યાર સુધીમાં ૭૩ દર્દીઓએ નિશુલ્ક સારવાર મેળવી છે. જે પૈકી ૫૪ દર્દીઓ સારવાર લઇને તંદુરસ્ત થઈ ઘેર ગયા છે. હાલમાં ૧૦ જેટલા દર્દીઓ કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ છે. દર્દીઓને વધુ સારવાર માટે ભુજ રીફર કરાયા છે. અત્યાર સુધી ૧૮૦ જેટલા ઓક્સિજનના સિલિન્ડરનો વપરાશ થયો છે. આમ છેવાડામાં મર્યાદિત આરોગ્ય સુવિધા વચ્ચે પણ આ વિસ્તારના લોકોને નમો કોવિડ સેન્ટરમાં નિઃશુલ્ક ઓક્સિજન સહિતની સારવાર આપવામાં આવે છે. જે ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કલેકટર પ્રવિણા ડી.કેની મુલાકાત દરમિયાન સાંધીના એન.બી ગોહિલ, જયસિંઘ સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.સિંહા, સુપરવાઇઝર ગોપાલભાઈએ પૂરક માહિતી આપી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જયદીપસિંહ જાડેજા, પરેશભાઈ ભાનુશાલી, નરેન્દ્રસિંહ, મૂળરાજ ગઢવી, હકુમતસિંહ જાડેજા, વેપારી એસોસીએશનના પ્રમુખ હકુમતસિંહ હઠુભા જાડેજા, ગૌતમભાઈ જોશી, સંજયભાઈ શાહ, જનક જોશી, ભુપેન્દ્ર ઠક્કર, મનીષ શાહ, મંગલભાઈ જોશી, ઈસ્માઈલભાઈ દરાડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અહીંના કોવિડ કેર સેન્ટરમાં સરકારી એમબીબીએસ ડોક્ટરની સાથે નલિયાના ડોક્ટર ભરતભાઈ સંજોટ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે તેવું પ્રવિણ ભારાણીએ જણાવ્યું હતું.