નલિયામાં સાંઘી સિમેન્ટના સહયોગથી ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલનો આરંભ

કંપની દ્વારા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી પણ લિક્વિડ ઓક્સિજન નથી મળતો

નલિયા : કોરોના સંક્રમણ વધતા સીએસઆર અંતર્ગત અબડાસા તાલુકામાં સાંઘી સિમેન્ટ કંપની દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે એ માટે આગેવાનોએ સૂચવ્યું હતું. જેને અનુલક્ષીને કંપની દ્વારા કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય નલિયા ખાતે આજથી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. ઉદ્યોગો સ્થાનિકે પોતાનું ઉત્તરદાયીત્વ નિભાવે એવા હેતુસર સાંઘી સિમેન્ટ કંપની દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ છે.હોસ્પિટલનો આરંભ કરતા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે કહ્યું કે, નલિયામાં કોવિડ હોસ્પિટલ શરૂ થવાથી છેવાડાના લોકોને સારી આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે.૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ છે. કંપનીના ડાયરેકટર એન.બી. ગોહિલે કહ્યું કે, નલિયામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા વેપારી એસોસિએશનો સારો પ્રતિસાદ મળ્યો છે, જેથી જનહિત માટે અમે કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. વધુમાં કહ્યું કે, અમે આખા અબડાસા તાલુકાને ઓક્સિજન પુરો પાડવા માટે તત્પર છીએ. અમારી પાસે ઓક્સિજનનો પ્લાન્ટ પણ છે, પરંતુ વડોદરાથી લિક્વિડ ઓક્સિજન આવતું નથી, જેથી પ્રાણવાયુનુ ઉત્પાદન થતું નથી. જો અમને લિક્વિડ ઓક્સિજન મળે તો અમે ઓક્સિજનનું ઉત્પાદન કરી અબડાસા તાલુકાને મેડિકલ ઓક્સિજન પુરો પાડશું. ઉદ્યોગ માટે તેનો વપરાશ નહીં થાય તે માટેની ખાતરી આપી હતી.રાજ્યમંત્રીએ આ સંદર્ભે સીએમ સમક્ષ રજૂઆત કરવાની ખાત્રી આપી હતી. સાંંસદ વિનોદ ચાવડાએ કાર્યને બિરદાવ્યું હતું.આ વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, કંપનીના એચઆર હેડ સનાતન શ્યામત, અગ્રણીઓ મહેશ ભાનુશાલી, હકુમતસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, મુળરાજ ગઢવી, વિક્રમસિંહ જાડેજા, પરેશ ભાનુશાલી, ગૌતમ જોષી, જનક જોષી, મનીષ શાહ, ઝુલીભાઈ, મામદ સંઘાર, ભૂપેન્દ્ર ઠક્કર, અબ્બાસ ખત્રી, પ્રકાશભાઈ, અલાના સુમરા, અનુભા જાડેજા, દિનેશ ચંદ્રા, નારણ સિંધી તેમજ મામલતદાર શ્રી ડામોર, ટીડીઓ જે.પી. ગોર સહિતના હાજર રહ્યા હતા.