નગરસેવકની ભલામણ હોય તો ભુજમાં તરત પાણીનું ટેન્કર ઘરે પહોંચે !

રાવલવાડી પાણીના ટાંકે કરાયેલી જનતા રેડ બાદ થઈ ભારે ગરમા ગરમી : નગરપાલિકાના પ્રમુખે એસપી અને એ ડિવિઝન પોલીસનું ધ્યાન દોરી કાયદેસરની કાર્યવાહી ટાળી

ભુજ : શહેરમાં સપ્તાહથી પાણી વિતરણની વ્યવસ્થા ખોરંભે ચડી છે. તેવામાં નગરજનો પાણી માટે તરસ્યા બન્યા છે. આવા સમયે શહેરીજનો ભુજ નગરપાલિકામાં પાણીનું ટેન્કર નોંધાવે છે. પરંતુ આ ટેન્કર સપ્તાહ સુધી ન મળતું હોવાની ફરિયાદોને આધારે રાવલવાડીમાં આવેલા પાણીના ટાંકા ખાતે જનતારેડ કરવામાં આવી હતી. નગરપાલિકાની પોલ પાધરી થઈ જતા પ્રમુખ સહિતના નગરસેવકો દોડી આવ્યા હતા. સામસામે ઉગ્ર બોલાચાલીમાં તોડફોડના આક્ષેપો પણ કરાયા હતા. આ તમામ બાબતો વચ્ચે સુધરાઈએ કાયદાની મદદ લેતા પાણીનો પ્રશ્ન પોલીસ સુધી પહોંચ્યો હતો.
સામાન્ય લોકો પાણીનું ટેન્કર નોંધાવે તો મળતું નથી. પણ નગરસેવકોની ભલામણ હોય તો તરત ઘેર ટેન્કર આવી જાય છે. યુવાનોએ કરેલી જનતા રેડમાં પાણીના ટાંકા ખાતે આવેલી ઓફિસમાંથી નગરસેવકોની ભલામણની ચિઠ્ઠીઓ મળી આવી હતી. આ અંગેની વિગતો મુજબ શનિવારે બપોર બાદ આ જનતા રેડ કરવામાં આવી હતી. ભુજમાં નગરપાલિકા હસ્તકના પાણીના ટેન્કરો રાવલવાડી પાણીના ટાંકામાંથી ભરવામાં આવે છે. હાલમાં શહેરમાં લોકોને પાણી મળતું નથી. જેથી અમુક લોકો પ્રાઈવેટ ટેન્કર મંગાવી પોતાની પાણીની જરૂરિયાત સંતોષે છે. કેટલાક લોકો નગરપાલિકામાં પાણીનું ટેન્કર નોંધાવે છે, પરંતુ નગરપાલિકાનું ટેન્કર સપ્તાહ સુધી ન આવતું હોવાના આક્ષેપો કરાયા છે. હિન્દુ યુવા સંગઠન સાથે જોડાયેલા દિગુભા જાડેજા તેમજ તેમની સાથે યુવાનો અને લોકો રાવલવાડી ખાતે આવેલા ટાંકા ખાતે પહોંચ્યા હતા. લોકો જે ટેન્કર નોંધાવે છે, તે કેમ સમયસર મળતા નથી તેવો અવાજ ઉપાડાયો હતો. આ દરમિયાન અહીં આવેલી ઓફિસમાં રેડ કરી તેમાંથી નગરસેવકોની ભલામણની ચિઠ્ઠી લોકો સમક્ષ રજૂ કરાઈ હતી. જો શહેરીજન ટેન્કર નોંધાવે તો દાદ મળતી નથી. પરંતુ નગરસેવકની ભલામણ હોય તો તરત ટેન્કર મળે છે. જેની સાબિતી નગરસેવકોની ચિઠ્ઠીના થપ્પા છે તેવા આક્ષેપ સાથે ભારે ગરમા ગરમી જોવા મળી હતી. જેથી ફરજ પરના સ્ટાફે ઉપરી અધિકારીને જાણ કરતા
નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર તેમજ નગરસેવકો રાવલવાડી ટાંકા ખાતે દોડી આવ્યા હતા. સ્થળ પરથી મળેલી માહિતી મુજબ નગર અધ્યક્ષે પ્રમુખ પદની ગરીમાને ન છાજે તેવું વર્તન કર્યું હતું. યુવાનોએ તો જનતા રેડ કરી
પાણી પ્રશ્નો જવાબ માંગ્યો હતો. પરંતુ ઘનશ્યામ ઠક્કરે સ્થળ પર વિરોધ કર્તાઓને એવું કહ્યું હતું કે, તમે સરકારી કામમાં અવરોધ ઉભો કર્યો છે. પાણી વિતરણ બંધ કરાવ્યો છે. સરકારી રેકર્ડ સાથે ચેડા કર્યા છે તેવી ડંફાસો મારી સ્થળ પર પોલીસ બોલાવી હતી. બાદમાં તેઓ ખુદ એ ડિવિઝન ગયા હતા. દિગુભા જાડેજાએ જણાવ્યુ હતું કે, પૈસા દઈને જે લોકો ટેન્કર મંગાવે છે તેને પાણી મળતું નથી. પણ નગરસેવકની ભલામણ હોય તો એ જ દિવસે ટેન્કર આવી જાય છે. અમે કોઈ ગુંડાગર્દી કે તોડફોડ કરી નથી.પરંતુ જનતાના પ્રશ્નને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. નગરપતિ ઘનશ્યામ ઠક્કરે સ્થળ પર આવી ઉગ્ર ભાષામાં અમારી સાથે વાતચીત કરી છે. નગરપાલિકાના વલણ સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, પૈસા ચુકવીને ટેન્કર મંગાવીએ તો મળતા નથી. નગરઅધ્યક્ષ પ્રશ્ન હલ કરવાને બદલે જેમ તેમ બોલીને ગયા છે. અમે જનતાનો અવાજ ઉપાડ્યો અને પોલ પાધરી કરી તો પોલીસ કેસની ધમકી આપી છે. રાવલવાડી પાણીનો ટાંકો નગરસેવકોની માલિકીનો છે. ? તેવો સવાલ પણ ઉઠાવાયો છે. અલબત આ બાબતે નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કહ્યું કે, નગરપાલિકાની પુરી ટીમ ભુજ માટે મહેનત કરી રહી છે. કેટલાક લોકો વિરોધ કરી કામગીરીમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. આજે જે ઘટના બની તે અંગે એ ડિવિઝન પોલીસ અને એસપી શ્રીનું ધ્યાન દોર્યું છે.
પરંતુ ભવિષ્યમાં આવી ઘટના બનશે તો નગરપાલિકા કાયદાકીય વલણ અપનાવવામાં પણ પીછે હઠ નહી કરે.

નવી રાવલવાડીમાં ૮-૮ દિવસથી પાણીના દર્શન નહીં !

ભુજ : શહેર પાણી વ્યવસ્થા ખોરંભે ચડી છે. ત્યારે શહેરની સૌથી મોટી રિલોકેશન રાવલવાડી સાઈટમાં સૌથી વધારે નગરસેવકો આવેલ છે અને ધારાસભ્યની દત્તક લીધેલી સાઈટ હોવા છતાં આ વિસ્તારની અવગણના કરવામાં આવે છે. છતાં આઠ – આઠ દિવસથી નળવાટે પાણી આવતું નથી. નવા ચૂંટાયેલા સભ્યો મોબાઈલ ઉઠાવતા નથી અને પ્રશ્નો પર ધ્યાન આપતા નથી.ચૂંટણી પહેલા પણ આજ સ્થિતિ હતી અને નવા ચૂંટાયેલા નગરસેવકો આવ્યા બાદ પણ નવી રાવલવાડીને પાણીનો પ્રશ્નો એ જ રહ્યો છે. કચરો લેવા આવતા, વાહન પણ અઠવાડિયે આવે છે, સફાઈવાળા પણ આ વિસ્તારમાં દેખાતા નથી. નવી રાવલવાડીમાં આજે આઠ દિવસે નળ વાટે પાણી માંડ આવે છે. આજે આઠ દિવસ વિત્યા છતાં નળવાટે પાણી આવતું નથી. નગરસેવકો હોવા છતાં કોઈ સાંભળતું નથી. ધારાસભ્યની દત્તક લીધેલ નવી રાવલવાડીની સ્થિતિ જો દયાજનક છે તો ભુજના હાલ શું હશે તેવા સવાલ જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.