નખત્રાણા-લખપતમાં મંદગતિએ પવન સાથે ઝરમર છાંટા વરસ્યા

બંને તાલુકામાં વાવાઝોડાની અસર નહીંવત : તંત્ર રહ્યું ખડપગે

નખત્રાણા : સરહદી લખપત અને નખત્રાણા તાલુકામાં સાયકલોની નહીંવત અસર જોવા મળી છે. બંને તાલુકામાં મદ પવન સાથે ઝરમર છાંટા વરસ્યા હતા. આજે પણ તકેદારીના ભાગરૂપે સરકારી તંત્રો સજાગ રહ્યા હતા.
પ્રાંત અધિકારી ડો. મેહુલકુમાર બરાસરાના માર્ગદર્શન હેઠળ મામલતદાર વી.કે. સોલંકી, ટીડીઓ વિનોદભાઈ જોષી સહિત ૧૧ જેટલા લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સતત પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે. ખેતીમાં કોઈ નુકસાન નથી તો લાઈટ વીજ પુરવઠો પણ ખોરવાય નથી. બજાર અને બસ સ્ટેશન પર લોકો, પ્રવાસી વર્ગની પાંખી હાજરી છે. જોખમી જગ્યા પર ૩૧ જેટલા હોર્ડિંગ્સ ગ્રા.પં. દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે. ર૪ કલાક કંટ્રોલરૂમ ચાલુ છે. મથલ, નિરોણા, બિબ્બર, ધમાય, લુડબાય ગામે આશ્રયસ્થાનો ઉભા કરાયા છે. ત્યાં તલાટી તથા સરપંચો કાર્યરત છે. કોવિડ સેન્ટરમાં પણ કોરોના દર્દીને વીજ પુરવઠો સહિતની કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે ટીએચઓ એ.કે. પ્રસાદ અને ટીમ કાર્યરત છે. લોકો પણ કામ સિવાય ઘરની બહાર નિકળતા નથી. આગમચેતીના ભાગરૂપે તાલુકામાં તમામ ગામોમાં જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. કયાંક પણ નુકસાનીના આ લખાય છે ત્યાં સુધી કોઈ અહેવાલ મળ્યા નથી. આજે સવારે નખત્રાણા પીઆઈ સહિતની ટીમો દ્વારા બજાર વિસ્તારમાં ફૂટ માર્ચ પણ કરાયું હતું.દરમિયાન લખપત તાલુકામાં ગઈકાલે રાત્રે ઝરમર વરસાદ વસ્યો હતો. આજે સવારે વર્માનગર, પાન્ધ્રો સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ઉઘાડ જોવા મળ્યો હતો.