નખત્રાણા પંથકમાં કોરોના સાથે અન્ય બીમારીએ માથું ઉંચક્યું

  • બારડોલીના દર્દીઓ સારવારના અભાવે મોતને ભેટે છે

તાલુકાની આરોગ્ય સેવા લકવાગ્રસ્ત : કોવિડ સેન્ટર અને સીએચસી – પીએચસી શોભાના ગાંઠિયા સમાન : ર૦ જેટલા લોકોનો કોરોનાએ ભોગ લીધો : પ્રજાના પ્રતિનિધિ ગૂમ થયા : કંપનીના કર્મીઓમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધુ : મંત્રી, જિ.પં. પ્રમુખે મુલાકાત લીધી પણ હિરો ઘોઘે જઈ આવ્યો જેવો તાલ : ગરીબ દર્દીઓને સારવાર ન મળવાથી જીવ ખોવાનો વખત આવે છે : બજારો બપોર બાદ બંધ : કાછીયા સહિત જીવન જરૂરી અન્ય ચીજવસ્તુઓની ચાલતી ઉઘાડી લૂંટ

નખત્રાણા : નધણિયાતા આ તાલુકામાં કોરોના સાથે અન્ય બીમારી તાવ, ઉલ્ટી, પેટનો દુઃખાવો સહિતની બીમારીએ માથું ઉંચક્યું છે. તાલુકાની આરોગ્ય સેવા લકવાગ્રસ્ત થઈ છે. તાલુકાના લોકોના ભાગ્ય કે સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ આ તાલુકાના હોેતા અને ગ્રામ પંચાયતથી લઈ છેક દિલ્હી સુધી ભાજપની સરકાર હોવા છતાં ભાજપના ગઢ ગણાતા આ તાલુકામાં કોરોના અને અન્ય બીમારીવાળા દર્દીઓ ભગવાન ભરોસે છે. કોરોનાએ આ તાલુકામાં સરકારી ચોપડે ર૦ જેટલા યુવાનોનો ભોગ લઈ લીધો છે. બિનસત્તાવાર આ તાલુકાનો મરણ આંક કંઈક વધુ છે. હજુ પણ ઘણા બધા કોરોનાના દર્દીઓની સ્થિતિ નાજુક છે. ઓક્સિજનના સિલીન્ડર કે ઈન્જેક્શન ન મળવાથી દર્દી મોતને ભેટ્યા છે, તો સામાન્ય લક્ષણ જણાતા દર્દીને ડોક્ટર ભુજ લઈ જવા આગ્રહ કરતા હોય છે. લેબોરેટરીમાં પણ દર્દીઓની ભીડ જોવા મળે છે.ખાનગી દવાખાનામાં દર્દીઓનો રીતસરનો રાફડો ફાટ્યો છે. ગામડામાં પણ દર્દીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. સીએચસી તથા દેવાશિષ હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રોજનું કમાઈ ખાતા ગરીબ વર્ગની વસ્તીમાં કોરોના તથા અન્ય બીમારીએ અજગર ભરડો લેતા તેમની હાલ અતિ કફોડી બની છે. કોવિડ-૧૯ માટે તાલુકામાં પાટીદાર કન્યા છાત્રાલયમાં કોવિડ સેન્ટર ચાલુ કરવાની માત્ર વાતો જ થઈ છે.એ દિશામાં નક્કર કાર્યવાહી થઈ નથી તેવું કહેવું સત્ય છે. સ્ટાફ અને દવાના અભાવના કારણ આગળ ધરાય છે. જ્યારે રામેશ્વર ખાતે માત્ર પથારી જ છે. દર્દી છે, પણ જરૂરી ઓક્સિજન કે અન્ય સુવિધા મળતી નથી તેવી રાવ ઉઠી છે. તાલુકામાં રોગી કલ્યાણ સમિતિ માત્ર કાગળ પર છે. સરકાર દ્વારા અપાતો અધધ ફંડ આ સમિતિ ક્યાં ચાઉં કરી જાય છે તે તપાસનો વિષય છે. વાર્ષિક ઓડીટ માંગી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. રાજ્યમંત્રી, જિ.પં. પ્રમુખે તાલુકાની મુલાકાત લીધી, સમીક્ષા બેઠક કરી છતાં પરિસ્થિતિ સુધરવાના બદલે વધુ બગડી છે. સમીક્ષા બેઠક માત્ર નર્યું નાટક જ હોય છે તેવું લોકો જણાવી રહ્યા છે.કોંગ્રેસને આ તાલુકામાં પ્રજાએ મત ન આપતા તેઓ ચૂપ બેઠા છે. આ બાબતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ આહિરનો સંપર્ક કર્યો તો તેઓએ જણાવ્યું કે, તાલુકામાં આરોગ્યની સેવા કથળી છે. સામાન્ય તાવ, શ્વાસ વાળા દર્દીને ભુજનો ધક્કો ખાવો પડે છે. કોંગ્રેસે આ બાબતે આરોગ્ય મંત્રી, કલેક્ટરને પત્ર લખી તાલુકાની આરોગ્ય સેવા સુધારવા માંગ કરી છે. અમે મતનો રાજકારણ નહીં પણ ગરીબ દર્દીની સાથે છીએ. દરરોજ મને અનેક દર્દીઓના ફોન આવે છે અને ભુજમાં જરૂરી આરોગ્ય સારવાર માટે ઉપયોગી પણ થાઉં છું. બીજી તરફ વેપારી મંડળ સ્વૈચ્છિક લોકડાઉનમાં બપોર બાદ બંધ હોય છે, પણ સવારના ગ્રાહકોની ભીડ જામે છે, તો રમઝાન માસ અને બીમારીના લીધે ફળ-ફ્રુટના શાકભાજીના ભાવોમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે. બ્લડ ડોનેશન કેમ્પ માટે સરપંચ સંગઠનના રાજુભા જાડેજા તથા ઈકબાલ ઘાંચીએ દરેક ગ્રા.પં.ના સરપંચોને સાથે રાખી દરેક વર્ણના યુવાનો રક્તદાન કેમ્પ યોજી સહભાગી બને તે માટે અપીલ કરી છે.રસીકરણની કામગીરી તાલુકામાં નબળી છે, તો પોલીસ પણ માસ્ક ન પહેરતા અને કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરતા લોકો પર કાયદાનો ડંંડો ઉગામે તે જરૂરી છે. સામાજિક સંસ્થાઓ આરોગ્ય ક્ષેત્રે ખૂટતી કડી પૂરવા અને આરોગ્ય કેમ્પ યોજવા આગળ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે અને દેવાશિષ હોસ્પિટલમાં પણ કોવિડ સેન્ટર ઉભું કરવા માંગ ઉઠી રહી છે. બાકી હાલે આ તાલુકાના દર્દીઓ ભગવાન ભરોસે દિવસો કાઢી રહ્યા છે.