નખત્રાણામાં મજૂરીના બાકી નીકળતા પૈસાની માંગણી કરતા વૃધ્ધને પડ્યો માર

નખત્રાણા : અહીંના બસ સ્ટેશન સામેના ધોરમનાથ કોમ્પલેક્ષમાં આવેલી એક ઓફિસમાં વૃધ્ધને મારમારી જાતિ અપમાનિત કરતા નખત્રાણા પોલીસ મથકે એટ્રોસિટી એકટ સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. વૃધ્ધ મજૂરીના હિસાબના નીકળતા નાણાની ઉઘરાણી કરતા માર મરાયાનો આરોપ મુકાયો છે. નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રામજીભાઈ નારાણભાઈ ધોળકિયા (અનુ.જાતિ) (ઉ.વ.૬પ)એ આરોપી ગોવિંદભાઈ અરજણભાઈ દિવાણી તેમજ લખુભાઈ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના મજૂરીના નીકળતા બાકી નાણા તેમજ ખેતરના હિસાબ પેટેના પૈસા લેવા માટે ફરિયાદી રામજીભાઈ આરોપીની ઓફિસે ગયા હતા. તે દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈને નાણા આપવાની ધરાર ના પાડી દીધી હતી અને ઉશ્કેરાઈ જઈ જાતિ અપમાનિત કરીને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. કોઈ ધારદાર તીક્ષ્ણ હથિયાર વડે ફરિયાદીને છાતીના ભાગે ચેકા મારીને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અપાતા નખત્રાણા પોલીસ મથકે એટ્રોસિટી એકટ સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. જેની તપાસ ભુજ વિભાગના એસસી/એસટી સેલના ડીવાયએસપી દ્વારા હાથ ધરાઈ છે.