નખત્રાણામાં કાયદો વ્યવસ્થા અંગે એસપી સૌરભસિંઘના નખત્રાણામાં ધામા

નખત્રાણા : પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘે આજે નખત્રાણામાં ધામા નાખ્યા હતા. પ્રાંત કચેરી ખાતે પ્રથમ માસીક રિવ્યૂ બેઠકની સમીક્ષા કર્યા બાદ તાલુકાના પ્રજાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. ધારાસભ્ય પી.એમ જાડેજાએ કહ્યું હતું કે, પોલીસ પ્રજા સાથે માનવિય અભિગમ અપનાવે અને નાના પ્રશ્નો માટે લેટ ગોની ભાવના રાખે. જિલ્લા પંચાયતના સભ્ય નયનાબેન પટેલ, કરસનજી જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઈ પટેલ, ચેમ્બર્સના પ્રમુખ બાબુભાઈ ધનાણી, રાજેશભાઈ પલણ, દિનેસભાઈ જોષીએ પણ તાલુકાની કાયદો વ્યવસ્થા અંગે રજૂઆત કરી હતી. શરેહમાં થતી ચોરીના બનાવો, ટ્રાફિક, પવનચક્કીમાં ખેડૂતોની વ્યથા, રેતી ચોરી, દારૂનો ઉપદ્રવ, જુગાર, મારામારી સહિતના સમાજ વિરોધી દુષણો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય તેવા સુચનો પણ કરવામાં આવ્યા હતા. રાત્રિ પેટ્રોલિંગ મજબૂત બનાવવા તેમજ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા સમજણ અપાઈ હતી. ડીવાયએસપી વી.એન. યાદવ, પીઆઈ વસાવા, નખત્રાણા, નિરોણા, દયાપર, નારાયણ સરોવર, જખૌ, જખૌ મરીન, નલિયા પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.