નખત્રાણામાં એપીએમસી અંગે સરકાર દ્વારા વહિવટી મંજૂરી

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એપીએમસી બનાવવા માટે ૩.૬૬ કરોડની કરાઈ ફાળવણી : અબડાસાના ધારાસભ્ય પી.એમ. જાડેજાએ સરકારનો માન્યો આભાર

નખત્રાણા : કચ્છના બારડોલી ગણાતા અને ખેતી ક્ષેત્રે અગ્રેસર એવા નખત્રાણા તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની માર્કેટયાર્ડ ન હોવાના કારણે ખેડૂતોને ખેત પેદાશોનું વેચાણ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે વર્ષો જૂની માંગણીને સંતોષીને રાજ્ય સરકારે નખત્રાણામાં એપીએમસી માર્કેટયાર્ડને વહિવટી મંજૂરી આપીને ૩.૬૬ કરોડની ફાળવણી કરી છે.

અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નખત્રાણા તાલુકાના ખેડૂતોની વર્ષો જૂની માંગણી હતી કે, નખત્રાણમાં એપીએમસી માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવે. જાે કે ઘણા લાંબા સમય બાદ સરકાર દ્વારા આ માંગણી સંતોષીને વહિવટી મંજૂરી અપાઈ છે. ધારાસભ્ય પી.એમ. જાડેજાના જણાવ્યા પ્રમાણે કૃષિમંત્રી આર.સી. ફળદુ તેમજ કૃષિ અને સહકાર વિભાગના રાજ્યમંત્રી ઈશ્વર ઠાકોરભાઈ પટેલ દ્વારા નખત્રાણા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની માર્કેટયાર્ડ બનાવવા માટે વહિવટી મંજૂરી આપીને રૂપિયા ૩.૬૬ કરોડની ફાળવણી કરાઈ છે. ત્યારે અબડાસાના ધારાસભ્યએ સરકારશ્રી તેમજ કૃષિ અને સહકાર વિભાગનો આભાર પ્રગટ કર્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં નખત્રાણામાં એપીએમસી શરૂ કરવાનું વચન સરકાર દ્વારા અપાયું હતું. આ વચનની પણ પુર્તિ કરવામાં આવી છે. ત્યારે નખત્રાણામાં એપીએમસીની વહિવટી મંજૂરીને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે.