નખત્રાણાના મથલમાં કિશોરીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

એક મહિના અગાઉ હતભાગીના પિતાનું નિપજયું હતું મૃત્યુ

(ક્રાઈમ પ્રતિનિધ)નખત્રાણા : તાલુકાના મથલ ગામે રહેતી ૧પ વર્ષિય કિશોરીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરતા પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ છે. હતભાગી કિશોરીના પિતાનું એકાદ મહિના પૂર્વે જ મોત નિપજયું હતું. જે મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. બનાવને પગલે નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો મામલો દર્જ કર્યો હતો.નખત્રાણા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના મથલ ગામે રહેતી ૧પ વર્ષિય જયાબેન શીવજીભાઈ સીજુ નામની તરૂણીએ પોતાના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. હતભાગીએ પોતાના રૂમનો દરવાજો બંધ કરી છતના હુંકમાં રસી બાંધી આત્મઘાતી પગલું ભર્યું હતું. બનાવને પગલે હતભાગીના મામા ધનજીભાઈ જેપારે પોલીસને જાણ કરી હતી. તેઓ કોટડા જડોદર રહે છે અને તેમની ભાણેજે આપઘાત કર્યાના સમાચાર મળતા તેઓ તાત્કાલિક મથલ દોડી ગયા હતા અને રૂમનો દરવાજો તોડીને જોતા તેમની ભાણેજ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. બનાવને પગલે નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરતા પીઆઈ બી. એમ. ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.