નખત્રાણાના મણીનગરમાંથી ૯૧ હજારની ઘરફોડી

નખત્રાણાના જ અધિક ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટના ઘરમાં તસ્કરોએ ખાતર પાડતા પોલીસદળની ઉંઘ હરામ

નખત્રાણા : પશ્ચિમ કચ્છના નખત્રાણામાં ફરી એક વખત ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે. આ વખતે તસ્કરોએ વેપારીઓ કે સામાન્ય નાગરિકને નહીં પરંતુ જજના ઘરમાં ખાતર પાડી ૯૧ હજારની ચોરી કરતા પોલીસદળની ઉંઘ હરામ થઈ ગઈ છે. તસ્કરોને ઝડપી પાડવા નખત્રાણા પોલીસની ટીમો દોડતી કરાઈ છે.

મળતી માહિતી પ્રમાણે નખત્રાણાના મણીનગરમાં ચોરીનો બનાવ બન્યો હતો. અહીં રહેતા અધિક ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ આશીષકુમાર પટેલના બંધ ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો. તેમના પત્નિ નીતાબેને નખત્રાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ તેઓ વતન ખેડાના કપડવંજમાં આવેલા નરસિંહપુર ગામે ગયા હતા, તે દરમ્યાન આ બનાવ બન્યો હતો. ગઈકાલે કામવાળા બહેન ઘરે આવતા તેમણે મકાનના તાળા અને તિજાેરીના તાળા તુટેલા જાેયા હતા, જેથી કામવાળીએ નીતાબેનને જાણ કરતા તેઓ તત્કાલ નખત્રાણા દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા તસ્કરો સોના – ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે તસ્કરો સોનાના ત્રણ પેંડલ, બે નથણી, એક વીટી, ચાંદીની ત્રણ મૂર્તિ, મુખવાસ સેટ અને ત્રણ સીક્કા તેમજ બાળકોની પીગી બેંકમાં રહેલા અંદાજે છ હજાર રોકડા મળી કુલ્લ રૂા. ૯૧ હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ ઈન્ચાર્જ પીઆઈ એસ. બી. વસાવાએ હાથ ધરી છે. નોંધનીય છે કે, આ વિસ્તારમાં અગાઉ પણ ચોરીના બનાવો બની ચુકયા છે. પોલીસ દ્વારા નખત્રાણા ટાઉનમાં નિયમિત પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ હવે બુલંદ બની છે.