નખત્રાણાના ડાડોરમાં સાડા પાંચ ફુટના મગરનું રેસ્ક્યું કરાયું

નખત્રાણા : તાલુકાના ડાડોર ગામ પાસે ભૂખી ડેમ એપ્રોચના નાલામાં મહાકાય મગર જોવા મળતા સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગની ટીમે મગરને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યો હતો.

કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સરક્ષક તુષાર પટેલ તેમજ નખત્રાણા પશ્ચિમ રેન્જના આરએફઓ યુ.આર. મોરીના માર્ગદર્શન તળે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ટીમે ઓપરેશન કરી કુંડીમાં છુપાયેલ સાડા પાંચ ફુટ લાંબા મગરને પકડી પાડ્યો હતો. મગરને દૂરના સ્થળે છોડી દેવાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ રેસ્ક્યુ કાર્યમાં વનપાલ ડી.જે. વરસાણી, દિલીપસિંહ પઢીયાર, હિંમતભાઈ ચુડાસમા, ચંદુભાઈ મેરિયા વગેરે વનકર્મીઓ જોડાયા હતા.