નખત્રાણાના કોટડા જડોદર ગામે પવનચક્કી કંપનીઓ દ્વારા પથરાતી વીજલાઈનનો સ્થાનિકોએ વિરોધ નોંધાવીને કામ અટકાવ્યું

0
27

નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે પવનચક્કી કંપનીઓ દ્વારા પથરાતી વીજલાઈનના વિવાદ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકો દ્વારા અવાર-નવાર તંત્રને રજૂઆતો કરાઈ છે. મીટીંગો પણ થઈ છે પરંતુ અધિકારીઓ કંપની તરફી જ વલણ રાખતા હોવાનો સૂર સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો. તેવામાં કોટડા જડોદરના સ્થાનિકોએ ફરી એકવાર ખાનગી વીજલાઈનની કામગીરી અટકાવી હતી. કોટડા જડોદરના ખેડૂતો અને સ્થાનિકો દ્વારા જણાવાયુ હતુ કે, ખાનગી વીજ કંપની દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વિના ગામની ગૌચરમાં વીજપોલ નાખવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. જેની સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવીને કામ અટકાવ્યું હતુ. કંપનીના જવાબદારો અને લોકો વચ્ચે ફરી એક વાર બબાલ સર્જાતા પોલીસને ઘટનાસ્થળે દોડી જવાની ફરજ પડી હતી. અગાઉ પણ પીયત ખેતરમાંથી વીજલાઈન પસાર કરવાના બદલે ખેતરોની બાજુમાં જ આવેલી બંજર, ડુંગરાળ અને બિનઉપજાઉ જમીનમાંથી વીજપોલ અને વીજતાર પસાર કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરાઈ હતી. અને બે-ત્રણ માસ અગાઉ પણ કંપનીના જવાબદારો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ.