ધો.૧૨ની પરીક્ષાને લઇ આજે મળશે મહત્વપૂર્ણ બેઠક

(જી.એન.એસ.)અમદાવાદ,કોરોનાને કારણે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે ધોરણ ૧૨ની પરીક્ષા યોજવા હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આવતીકાલે શિક્ષણ વિભાગ,આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રી વચ્ચે રિવ્યૂ બેઠક યોજાશે, જેમાં પરીક્ષા યોજવા અંગે નિર્ણય લેવામાં આવશે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ધોરણ ૧૨ની પરીક્ષા યોજાવાની શક્યતા છે.ગુજરાત બોર્ડ દ્વારા યોજાનારી ધોરણ ૧૦ની પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે ધોરણ ૧૨ની પરીક્ષા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ધોરણ ૧૨ની પરીક્ષા માટે આવતીકાલે ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના સચિવ, શિક્ષણમંત્રી, આરોગ્ય વિભાગ, મુખ્યમંત્રી વચ્ચે એક બેઠક યોજાશે, જેમાં ધોરણ ૧૨માં ભણતા ૫.૫૦ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.મળતી માહિતી મુજબ, આવતીકાલની બેઠકમાં જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ધોરણ ૧૨ની પરીક્ષા યોજવા નિર્ણય લેવામાં આવશે. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, જૂન મહિના સુધીમાં કેસમાં ખાસો એવો ઘટાડો થશે. ઉપરાંત આવતીકાલે નિર્ણય લેવામાં આવે તો વિદ્યાર્થીઓને તૈયારી માટે ૨૦ દિવસ કરતાં વધુ સમય મળી રહે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આવતીકાલે પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.