ધો-૧૧ અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેના નિયમો ટૂંકમાં જાહેર થાય તેવી શક્યતા

૭મી જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર પહેલાં પ્રવેશ નિયમો જાહેર થશે

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી ૭મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ધો-૧૧ મા અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેના નિયમો આવતીકાલ સુધીમાં આખરી કરીને જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રાજ્યમાં કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે ધોરણ ૧૦ની પરીક્ષાઓ રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો ર્નિણય કર્યો હતો.  વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવતા ધોરણ-૧૧ મા અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેના કયા ધારાધોરણ અને નિયમો ને આધીન પ્રવેશ આપવો તે અંગેના નિયમો ઘડી ને રાજ્ય સરકારને ભલામણ કરવા માટે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞોની  એક કમિટીની રચના કરી હતી.આ કમિટીએ ધોરણ ૧૦માં માસ પ્રમોશન  મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ ૧૧મા ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ આપવા માટે કઈ રીતના ગુણ ની ગણતરી કરીને મેરીટ લિસ્ટ બનાવવું તે અંગેની ફોમ્ર્યુલા સાથે નો અહેવાલ રાજ્ય સરકારને એક-બે દિવસમાં સુપ્રત કરનાર હોવાનું જાણવા મળે છે.૭મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા હોય રાજ્ય સરકાર ધોરણ ૧૧માં અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ આપવા અંગેના નિયમો આખરી કરીને આવતીકાલ સાંજ સુધીમાં અથવા શનિવારે જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની માર્કશીટો તૈયાર કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી ચાર-પાંચ દિવસમાં જ આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ધોરણ ૧૧ સાયન્સમાં અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે મૂંઝવણ ઊભી થયેલી જાેવા મળી રહી છે.