ધાણેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરાયા

જનસહયોગ અને લોકભાગીદારીથી કોરોનાને મ્હાત આપવામાં બળ મળશે : રાજ્યમંત્રી

વર્તમાન મહામારી કોવિડ-૧૯ની પરિસ્થિતિને અનુલક્ષીને ભુજ તાલુકાના ધાણેટી ખાતે આજે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર દ્વારા ધાણેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અંદાજે રૂપિયા બે લાખની કિંમતના બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર  લોકાર્પણ કરવામાં આવ્યા હતા. કંપનીની સામાજિક જવાબદારી દાખવવાના ભાગરૂપે સી.એસ.આર. હેઠળ બી.કે.ટી. કંપની દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરાયા હતા. જેમાં કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત હતા.ખાનગી કંપનીના સી.એસ.આર હેઠળ મળેલા બીકેટી કંપનીના ઓક્સિજન કોન્સન્ટ્રેટર જરૂર પડે કોરોનાના દર્દીઓ માટે સહાયરૂપ બનશે અને જનસહયોગ અને લોકભાગીદારીથી કોરોનાને મ્હાત આપવામાં બળ મળશે તેમ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કોવિડ-૧૯ની ગાઈડલાઈન પ્રમાણે સાવચેતી અને સલામતીની અમલવારી કરી જનતા  કોરોનાને મ્હાત આપી શકશે . સામાજીક અને શૈક્ષણિકરીતે પછાતવર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના પ્રયત્નોથી અદાણી અને કેન્દ્ર સરકારના સહયોગથી જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત થયેલા ઓક્સિજન પ્લાન્ટ વિશે સૌને માહિતગાર કર્યા હતા. સમાજ કલ્યાણ માટે વિધાનસભા દીઠ આરોગ્યક્ષેત્રે ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવાના રાજ્ય સરકારના નિર્ણયના પગલે રાજ્ય મંત્રીશ્રીએ પણ અંજાર વિધાનસભાને રૂપિયા બે કરોડની ગ્રાંટ ફાળવી છે. જરૂર પડે તો અન્ય સહાય કરવાની પણ મંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે ખાતરી આપી હતી. એક થી પાંચ લીટર સુધીની ક્ષમતા ધરાવતા ઓક્સિજન કોન્સન્ટ્રેટર ધાણેટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવા બદલ  વિનોદભાઇ ચાવડાએ કંપનીનો જનતા વતી આભાર માન્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે ,”સરકારની કોરોના માટેની વ્યવસ્થાઓ સાથે કોરોનાને મ્હાત આપવા સૌનો સહકાર મહત્વપૂર્ણ છે. સરકારની ગાઈડલાઈન અનુસાર તેમજ તબક્કાવાર વેક્સિનેશનમાં પણ ગ્રામજનો રસીકરણ કરાવી કોરોનાને હરાવે.  બી.કે.ટી. જેવી કંપનીઓ પણ આમાં સહયોગ આપશે એમ પણ તેમણે કહ્યું હતું. રાજ્યમંત્રીશ્રી સાથે સાંસદશ્રીએ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકળાયેલા ૩૨ ગામોની આરોગ્ય બાબતે આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર શ્રી ડોક્ટર હેમાંગિનીબેન પટેલ અને ડોક્ટર પૂર્વીબેન પ્રાંબડિયા સાથે વિગતે માહિતી મેળવી હતી. રાજ્યમંત્રીશ્રી અને સાંસદશ્રીએ ધાણેટીમાં વિવેકાનંદ વિદ્યાર્થી ભવન બક્ષીપંચ કુમાર છાત્રાલય ખાતે તૈયાર કરાયેલા ૩૦ બેડના કોવિડ આઇસોલેશન સેંટરની મુલાકાત પણ લીધી હતી આ  તકે  જિલ્લા પંચાયતના શાસકપક્ષના નેતાશ્રી હરિભાઈ જાટીયા, ધાણેટી સરપંચશ્રી વાલજીભાઈ આહીર, સમાજ અગ્રણીશ્રી રાણાભાઇ ડાંગર, જેમલભાઈ રબારી, ઉપસરપંચશ્રી ગણેશભાઈ છાંગા, બાલક્રિષ્ના ટાયર ઇન્ડસ્ટ્રીઝના સર્વશ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ, શ્રી રાણા અને શ્રી ભટ્ટ તેમજ કાનજીભાઈ છાંગા, મહાવીરભાઈ છાંગા અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી બારોટ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. મનોજ  પરમાર અને આરોગ્ય કર્મીઓ તેમજ ગ્રામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.