દ્વારકાના પૂર્વ ધારાસભ્યમાંથી કચ્છના એમએલએ લે બોધપાઠ

  • નિરિક્ષણો-મુલાકાતો બહુ થયા, નકકર સેવા કરો..

કચ્છનું નામ દાતારીમાં આવે છે. એકાદ ધારાસભ્ય તો મેણુ ભાંગો..! અમે પણ કંઈ ઓછા ઉતરીએ તેવા કચ્છી નથી..! કો’કનું લોહી તો ઉકાળો..! એકાદ મહિનાની આવક નહીં જાય…!

પબુભા માણેક જેઓ માજી ધારાસભ્ય છે તેઓએ દ્વારકામાં ૧૦૦ બેડની કોવિદની હોસ્પિટલ સ્વખર્ચે શરૂ કરી દેખાડી : કચ્છના ભાજપના સત્તાપક્ષના પાંચ ધારાસભ્યો આ પ્રકારની પહેલ કરે તો પ૦૦ બેડની ઓછામાં ઓછી કોવિદ કેરની સુવિધા મતક્ષેત્રોમાં બની શકે સુલભ : સરકાર પર ઘટે ભારણ : ધારાસભ્યો વ્યવસ્થાઓ કરતા હોવાથી આમપ્રજાજનોને કેાઈ તકલીફ-સમસ્યાઓ થાય તો પણ ત્વરિત ધોરણે જ કરી શકે રજુઆત

ગાંધીધામ : ગુજરાતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે ત્યાર સરકાર તબક્કે થતા તમામ પ્રયાસો બાદ પણ કયાંક માળખા ટુંકા સાબિત થવા પામી રહ્યા છે ત્યારે સત્તાપક્ષના જ પદાધિકારીઓ પણ ઠેર ઠેર નવતર પહેલ કરી અને ગાંઠના ગોપીચંદ કરતા પણ વાર નથી કરતા અને પ્રજાજનો અને સરકાર બન્નેની વચ્ચે સાચી સેતુરૂપ ભૂમિકા ભજવી દેખાડે છે.આવી જ રીતે દ્વારકાના એક પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા પણ કોરોનાકાળમાં આમપ્રજાજનો અને કોરોનાના દર્દીઓને માટે રાહતરૂપ મોટી સેવા ચાલુ કરી છે તે ઉપરાંત અન્ય પદાધિકારીઓને પણ નવી રાહ ચીંધી દીધી હોવાનો વર્તારેા દર્શાવવા પામી રહ્યો છે. હકીકતમાં જે રીતે પબુભા દ્વારા ૧૦૦ બેડની કોવિદ હોસ્પિટલ ખુદના ખર્ચે ઉભી કરી દેખાડી છે તે પહેલા સરાહનીય તો છે જ તેની સાથોસાથ કચ્છના સત્તાપક્ષના ધારાસભ્યો તથા પૂર્વ ધારાસભ્યો સહિતનાઓએ શબક લેવો જ ઘટે તેવી ટકોર પણ થવા પામી રહી છે.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો પબુભા કે જેઓ માજી ધારાસભ્ય છે તેઓએ દ્વારકામાં ૧૦૦ બેડની કોવિદની હોસ્પિટલ સ્વખર્ચે શરૂ કરી દેખાડી છે. નોધનીય છે કે, પૂર્વ ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેક દ્વારા દ્વારકા ખાતે કોરોનાના દર્દીઓ માટે ૧૦૦ બેડની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરવામા આવી રહી છે. જયા રહેવાની એટેચ બાથરૂમ સાથે પર્સનલ રૂમ, તથા સવાર-સાંજ નાસ્તો, ભોજન-લીંબુ પાણી, નારિયેળ પાણી, મોસંબી, ઉકાળો અને અન્ય ફળોની વ્યવસ્થા પણ કરેલ છે. સાથેસાથે ર૪ કલાક સ્ટાફ અને ઉત્તમ ડોકટરની ટિમની વ્યવસ્થા પણ કેરલ છે. રોજનો ૧ લાખ કરતા પણ વધારે ખર્ચાની પબુભા માણેકએ તૈયારી બતાવી છે અને આવનાર સમયમાં જો વધારે બેડની જરૂર પડશે તો ૧૦૦૦ બેડની તૈયારી રાખેલ છે. આ વ્યવસ્થાઓ મથુરાભવન દ્વારકા ખાતે શરૂ કરી દેવામા આવી છે. જો કચ્છના ભાજપના સત્તાપક્ષના પાંચ ધારાસભ્યો આ પ્રકારની પહેલ કરે તો પ૦૦ બેડની ઓછામાં ઓછી કોવિદ કેરની સુવિધા મતક્ષેત્રોમાં બની શકે સુલભ તેની સાથોસાથ જ સરકાર પર પણ ભારણ ઘટી જાય તેમ છે. અહી નોધનીય છે કે સ્થાનિકે ખુદ ધારાસભ્યો વ્યવસ્થાઓ કરતા હોવાથી આમપ્રજાજનોને કેાઈ તકલીફ-સમસ્યાઓ થાય તો પણ ત્વરિત ધોરણે જ તેમના તબક્કે રજુઆત કરી શકે તેમ હોય છે.
સરકાર માટે આભ ફાટયું અને થીગડું દેવાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે કચ્છમાં માત્ર ઠેર-ઠેર મુલાકાતો-નીરિક્ષકોના દોર આરંભવા અથવા તો એસી ચેમ્બરોમાં બેસીને બેઠકો માત્ર કરી, ઠાલી ઠાલી વાતો ના વંટાણા વેરવા કરતા નાનું છતા નકકર કદમ ઉઠાવાય તે જ પભુભા માણેક જેવાઓએ કરેલી પહેલ પરથી ફલિત થવા પામી રહ્યુ છે.