દોલતપરમાં વીજ શોક લાગતા બે બાળકોનું કરૂણ મોત

ખેતરમાં રમતા બાળકોને ઉપરથી પસાર થતી વીજલાઈનને કારણે ઝાડ મારફતે વિદ્યુત આંચકો લાગતા બન્યો બનાવ

દયાપર : લખપત તાલુકાના દોલતપર ગામે એક ખેતરમાંથી પસાર થતી વીજલાઈનમાંથી બે બાળકોને વિદ્યુત આંચકો લાગતા કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. બનાવને પગલે દયાપર પોલીસ મથકે અકસ્માત મોતનો મામલો દર્જ થયો હતો.

દયાપર પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ દોલતપર ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં આ કરૂણ બનાવ બન્યો હતો. ખેતરમાં ઝાડ નીચે બાળકો રમતા હતા. અને તેની ઉપરથી વીજલાઈન પસાર થતી હતી. આ વીજલાઈનને કારણે ઝાડ મારફતે બે બાળકોને વિદ્યુત કરંટ લાગતા બન્ને માસૂમોનું મોત નિપજ્યું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ આ બનાવમાં 12 વર્ષિય જયેશ પ્રેમજી કોલી અને 11 વર્ષિય નૈતિક દયારામ કોલીનું મોત નિપજ્યું હતું. ભરબપોરે બે વાગ્યાના અરસામાં આ કરૂણ બનાવ બન્યો હતો. ઘટનાને પગલે બાળકોના વાલીઓએ બાળકોને તાત્કાલિક દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. જો કે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે દયાપર પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરતા દયાપર પીએસઆઈ એ.એમ. ગેલોતે આગળની તપાસ હાથ ધરી છે.