દોઢ વર્ષ પૂર્વે આચરાયેલી છેતરપીંડી અંગે ૩ સામે ફરિયાદ

  • વાહ રે… તંત્ર આરટીઓ કચેરીમાં બોગસ દસ્તાવેજો રજૂ કરીને…

વાહન લે-વેંચ બાદ એકના બીજા આધારો રજૂ કરી કરાયું રજિસ્ટ્રેશન

ભુજ : અહીંની આરટીઓ કચેરીમાં વાહન લે-વેંચ બાદ ખોટા દસ્તાવેજો ઊભા કરીને વાહન રજિસ્ટ્રેશન કરાયું હતું જે બાબત ધ્યાને આવ્યા બાદ દોઢેક વર્ષ પૂર્વે કરાયેલી અરજી અંગે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ૩ આરોપીઓ સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે.આ અંગેની વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજાએ બી-ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. જેમાં ભુજના કાનજી સામત બરાડિયા, કુકમાના રમેશ ઉર્ફે મામો અરજણભાઈ આહિર અને ધાણેટીમાં રહેતા રમજાન ઉર્ફે ગની રહેમતુલ્લા ચાકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આરોપી કાનજીએ રજાક કુંભાર અને અબ્બાસ કુંભાર પાસેથી જીજે-૦૬-એટી-પ૧૪૯ નંબરની મેક્ષીમો ગાડી રૂ.ર.પ૦ લાખમાં ખરીદી હતી. જે વડોદરાના રમેશ પરસોત્તમ પટેલના નામનું વાહન હતું. જેમાં પ૦ હજાર રોકડ આપ્યા બાદ બીજી રકમની લોન કરાઈ હતી. આરોપીએ વાહન ખરીદયા બાદ રજાક અને અબ્બાસ પાસેથી વાહન રજિસ્ટ્રેશનના કાગળો માગ્યા હતા, પરંતુ વીમો, ટેક્સના પૈસા ભરવાના બાકી હોવાથી ટીટીઓ ફોર્મ આપ્યું ન હતું. તેથી આરોપી કાનજીએ અન્ય બે અરોપી રમેશ અને રમજાનનો સંપર્ક કરીને તેમણે ખરીદેલ જી.જે.૬-એટી-પ૧૪૯ નંબરના વાહનના બદલે જીજે-૦૧-કે.એન.૦૪ર૭ નંબરની ગાડીના નામે વીમો ટેક્સ ભરીને ખોટા દસ્તાવેજો અને ખોટી સહીઓ કરીને વાહનનું રજિસ્ટ્રેશન કરાયું હતું. વર્ષ ર૦૧૭મા કરાયેલી વાહન ખરીદી બાદ સમગ્ર મુદ્દો સામે આવતા તા.૧૮/૧૧/ર૦૧૯ના જાણવાજોગ ફરિયાદ થઈ હતી. જેની તપાસના અંતે દોઢ વર્ષ બાદ વિધિવત ગુનો નોંધાતા ભુજ બી-ડિવિઝન પીએસઆઈ એમ.એમ. મહેશ્વરીએ આગળની તપાસ હાથ ધરી છે.