દેવગઢ બારીયા સબજેલના ૧૬ કેદી કોરોના પોઝીટીવ આવતા જેલ તંત્રમાં ફફડાટ

(જી.એન.એસ.)દાહોદ,દેવગઢ બારીયા સબજેલમાં રાખવામાં આવેલા કેદીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસ વખતે કેદીઓનો કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૬ કેદી પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે.દેવગઢ બારીયાની સબજેલમાં કુલ ૧૦૪ કેદી રાખવામાં આવેલા છે. આ જેલમા સમયાંતરે નિયમોનુસાર કેદીઓની આરોગ્ય તપાસ કરવામા આવતી હોય છે. તેવી જ રીતે હાલમાં પણ આ કેદીઓની આરોગ્ય તપાસ હાથ ધરવામા આવી હતી. હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. અને જિલ્લામાં પણ કોરોનાના દર્દી રોજ વધી રહ્યા છે. દેવગઢ બારીયા હોટ સ્પોટ છે. ત્યારે આરોગ્ય તપાસ દરમિયાન કેટલાક કેદીના રેપીડ ટેસ્ટ કરાયા હતા.
જેમાંથી એક કેદી કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય સ્ટાફ ચોકી ગયો હતો. ત્યારબાદ તમામના રેપીડ ટેસ્ટ કરાતા કુલ ૧૬ કેદી પોઝીટીવ આવતા વહીવટી, પોલીસ અને સાથે આરોગ્ય તંત્ર પણ દોડતુ થઈ ગયુ છે. આ કેદીઓ મહિનાઓથી બહાર નીકળ્યા નથી. તેમજ જે નવા આરોપી પકડાય છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે પછી જ કાનૂની કાર્યવાહી હાથ ધરાય છે. ત્યારે આ કેદીઓ કેવી રીતે સંક્રમિત થયા તે સંશોધનનો વિષય છે.