દુધઈ અને ગાંધીધામમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ જિંદગીઓ પર પૂર્ણવિરામ

દુધઈ પાસે ડમ્પર અને બાઈક અથડાતા પિતા – પુત્રના જ્યારે ગાંધીધામમાં રોડ સફાઈ કરતા મહિલાને ટ્રકે ટક્કર મારતા નિપજયું મોત

ગાંધીધામ : અંજાર તાલુકાના દુધઈ અને ગાંધીધામમાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓ બની હતી, જેમાં ત્રણ જિંદગીઓ પર પૂર્ણ વિરામ મુકાયું છે. મહિસાગરના સંતરામપુરમાં રહેતા ભલાભાઈ ડામોર, તેમની પત્નિ કાંતાબેન અને તેમનો પુત્ર લાલાભાઈ બાઈક પર સંતરામપુરથી ભુજ તાલુકાના ચકાર કોટડા ગામે આવવા નિકળ્યા હતા, જયાં દુધઈ નજીક પાવર હાઉસ સામે અકસ્માત સર્જાયો હતો. બાઈક નંબર જી.જે.ર૦.એફ.પપ૦૧ ના ચાલક લાલા ડામોરે આગળ જતા ટેમ્પાને ઓવર ટેક કરવા જતા સામેથી આવતા ડમ્પર નંબર જીજે.૧ર.બીટી ૪૬ર૧ સાથે ટક્કર થઈ હતી, જેમાં ગંભીર ઈજાઓથી લાલાનું સ્થળ પર જ્યારે તેના પિતા ભલાભાઈ ડામોરનું જી.કે.માં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. કાંતાબેનને સારવાર તળે દાખલ રખાયા છે. બીજીતરફ ગાંધીધામના ઝોન ગોલાઈ પાસે ધોરીમાર્ગ ઉતરતા રસ્તે અકસ્માત થયો હતો. જવાહરનગરમાં રહેતા લીલાબેન ગત તા. ર૧-પના અહીં સફાઈ કામગીરી કરતા હતા, ત્યારે ધસમસતા આવતા ટ્રક નંબર જી.જે.૧ર. બીટી ૯૮૪ર એ મહિલાને ટક્કર મારતા ઈજાઓ થઈ હતી, જેનું સારવાર દરમ્યાન ગઈકાલે મોત નિપજતા ટ્રક ચાલક વિરૂદ્ધ હાથીભાઈ રૂડાભાઈ ભરવાડે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.