દુધઈમાં સામાન્ય બાબતે બે ટોળા બાખડ્યા, પોલીસે આરોપીઓને કર્યા અંદર

બાઈક ચલાવવા બાબતે મામલો બિચકતા પ૦ લોકોના ટોળાએ પાંચ વાહનોમાં કરી હતી તોડફોડ : સામ સામે લૂંટ-હુમલાની ફરિયાદમાં દુધઈ પોલીસે આરોપીઓને ઝડપી પરિસ્થિતિ થાળે પાડી

અંજાર : તાલુકાના દુધઈ ગામે સામાન્ય બાબતે બે ટોળા બાખડ્યા હતા. જેમાં પ૦ લોકોના ટોળાએ પાંચ વાહનોમાં તોડફોડ કરી હતી. લૂંટ હુમલાની સામ સામી ફરિયાદના આ કિસ્સામાં દુધઈ પોલીસે તાત્કાલિક વર્કઆઉટ કરી આરોપીઓને ઝડપી લીધા છે. આ અંગેની વિગતો મુજબ જુની દુધઈના મફતપરામાં રહેતા રર વર્ષિય મુસ્તાક હાસમભાઈ અભાએ ફરિયાદ નોંધાવી હતી કે, સવારે આરોપી જિજ્ઞેશ કાનજીભાઈ આહિર અને શંભુ સુમાર આહિર સાથે મોટર સાઈકલમાં બ્રેક મારવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી આરોપી મુકેશ સામજી ડઉ, પરેશ મ્યાજર ડઉ, કાનાભાઈ, ખીમજીભાઈ મ્યાજર ડઉ તથા અન્ય રપથી પ૦ જણના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી લાકડી-ધોકા જેવા હથિયારો ધારણો કરી ફરિયાદી સાથે ગાળાગાળી કરી તેની ગલીમાં રખેલ ચાર મોટરસાઈકલ તથા એક એક્ટિવામાં તોડફોડ કરી હતી જે બાબતે દુધઈ પોલીસે ૬ આરોપીઓ સામે નામજોગ તેમજ અન્ય રપથી પ૦ જણના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. જે અનુસંધાને દુધઈ પોલીસે જિજ્ઞેશ આહિર, મુકેશ ડઉ, ખીમજી ડઉ, પરેશ ડઉ અને શંભુ આહિરને ઝડપી પાડ્યા હતા. દરમિયાન બીજી તરફ સામા પક્ષે જિજ્ઞેશ ડઉએ પ્રતિ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ અને શંભુભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે આરોપી કારા સમાનો છોકરો બાઈક લઈને સામેથી આવ્યો અને ફરિયાદીને સરખી રીતે બાઈક ચલાવવાનું કહી હાથમાં રહેલું ઉધું ધારિયું બાઈકમાં પછાડી જિજ્ઞેશને મુંઢ ઈજાઓ કરી હતી. આરોપી અલ્લારખા કાસમ સમા, હની સમાએ ગાળાગાળી કરી લાકડી ઉગામી હતી. કારા સમાના છોકરાએ શંભુભાઈના કિસ્સામાંથી રોકડા રૂપિયા હજાર અને વીટીની લૂંટ કરી હતી. જે કેસમાં દુધઈ પોલીસે મુસ્તાક હાસમ સમા, અલ્લારખા કાસમ સમા અને હનીફ ઉસ્માણ સમાની અટકાયત કરી છે. નોંધનીય છે કે, દુધઈ ગામે ટોળા દ્વારા વાહનોમાં તોડફોડ અને સામસામે ફરિયાદ સાથે રાયોટીંગના બનાવને પગલે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંજાર ડીવાયએસપી સહિતનું પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. દુધઈ ઉપરાંત અંજાર, ભચાઉ સહિતના આસપાસના પોલીસ મથકેથી સ્ટાફને બોલાવી ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયું હતું. રેન્જ આઈજી અને પોલીસ વડાના નેતૃત્વમાં સર્કલ પીઆઈ જી.એલ. ચૌધરી અને દુધઈ પીએસઆઈ એમ.એમ.જોષી સહિતના સ્ટાફે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.