દુકાનો ખોલવાના સમયમાં એક કલાકનો કરાયો વધારો : નિયંત્રણો કરાયા હળવા

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો : ધાર્મિક સ્થાનો લોકોના દર્શાનાર્થે મૂકાશે ખુલ્લા : બાગ-બગીચાઓ પણ એસઓપીના પાલન સાથે ખુલશે : 11થી 26મી જૂન સુધી રાત્રે 9થી સવારે 6 વાગ્યા દરમિયાન રાત્રિ કર્ફ્યુની કરાશે અમલવારી

ભુજ : રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉતરોતર ઘટાડો નોંધાતા સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આગામી 11મી જૂનથી સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ સમયગાળા દરમિયાન એટલે કે 11મી જૂનથી 26મી જૂનના સમયગાળા  દરમિયાન સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકશે. ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે. રાત્રી કર્ફ્યુનો અમલ  11મી જૂને રાત્રે 9થી ૨૬મી જુનના સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન  દરરોજ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો રહેશે. તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારીગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સમયગાળા દરમિયાન સવારે 9થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. તો વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે. અને એસ..પી.નું ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ વગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ પરીક્ષાઓ એસ..પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે. રાજ્યમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં એસ..પી.ના પાલન સાથે આયોજનવ કરી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત થાય તેમજ એસ..પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60 ટકા પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કૈલાસનાથન, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ સહિત વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.