દિવાળી, હોળી બાદ હવે ઈદને પણ કોરોના રૂપી રાક્ષસનું ગ્રહણ

  • “વતન ક્યા મનાયેગા ઈદ કી ખુશીંયા, કપડો સે જ્યાદા તો કફન બીક ગયે…”

રાત્રી કર્ફયુ સહિતના નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે લંબાતા ઈદ પણ રહેશે રોજા સમાન : અખાત્રીજે લગ્નોમાં ધ્રબુકનારા ઢોલ- શરણાઈના સૂર પણ વિલાશે : કોરોનાની છૂપી બીકને કારણે પણ હિન્દુ – મુસ્લિમોના તહેવારોની ખુશીને લાગી ઝાંખપ

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનારૂપી દાનવે માનવ જાત પર ફેલાવેલા વિષને કારણે જનજીવન મુર્છીત બની ગયું છે, મહામારીની ઉપાધીમાં લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે અનેક લોકોએ કોરોનાથી સંક્રમીત થઈને પીડા સહન કરીને છે તો કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેવામાં હિન્દુ – મુસ્લિમો તહેવારો પણ જાણે માત્ર નામના જ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોરોના રૂપી રાક્ષસના કારણે હોળી, દિવાળી બાદ હવે ઈદ અને અખાત્રીજને પણ ગ્રહણ લાગ્યું છે.કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધુ ફેલાઈ રહ્યું છે, તેમાં પણ બીજી લહેર ઘાતક સાબિત થતા અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે સહેજે કહેવાઈ જાય કે, “વતન ક્યા મનાયેગા ઈદ કી ખુશીંયા, કપડો સે જ્યાદા તો કફન બીક ગયે…” કોરોનાની બીજી લહેરમાં મોતનું તાંડવ જોઈ ચુકેલો મનુષ્ય અંદરથી વ્યથિત છે. કોરોના મહામારીને કારણે પીડિત લોકો શું તહેવારો મનાવશે ? તેવો સવાલ સહેજે ઉદભવે છે. કચ્છ અને દેશમાં મોટા ભાગના પરિવારોમાં કોઈને કોઈ કોરોનાથી સંક્રમિત જોવા મળશે તો કેટલાય લોકોના ઘરોમાં તેમના વ્હાલ સોયાને કોરોના ભરખી જવાને કારણે માતમ જોવા મળશે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ લોકોનો કેડો મુકયો નથી ત્યારે લોકો પણ હવે આ બિમારીને કારણે કંટાળ્યા છે. અગાઉ દશેરા, દિવાળી, હોળી જેવા તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. જ્યારે એક – બે દિવસમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે. અને અખાત્રીજ પણ આવે છે, પરંતુ કોરોના મહામારીને કારણે જિલ્લાના બે મુખ્ય મથકો ગાંધીધામ અને ભુજમાં રાત્રી કર્ફયુ સહિતના નિયંત્રણો છે. બજારોમાં સુનકાર જોવા મળે છે. મહંદશે ઈદ અને અખાત્રીજ પૂર્વે બજારોમાં રોનક દેખાતી, લોકોમાં ઈદ અને લગ્નની સીઝન મનાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળતો, પરંતુ કોરોના રૂપી દૈત્યે ઉત્સાહ અને ઉમળકા પર પાણી ફેરવી દીધું છે, ત્યારે ઈશ્વર અને અલ્લાહ માનવ જાતને આ મહામારીથી બચાવે તેવી પ્રાર્થના અને દુઆ..