દિનારા પીએચસીમાં કોવિડ કેર સેન્ટરની જાહેરાત પણ સેવાઓ શરૂ ન થતાં ભુજનો ધક્કો

આરોગ્યલક્ષી સેવાઓ વધારવા દિનારા જિલ્લા પંચાયત સીટના સદસ્ય તેમજ કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારીને કરી રજુઆત

ભુજ : કચ્છ જિલ્લામાં કોરોનાના કેસો વધતા તંત્ર દ્વારા આયોજનના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારમાં પીએચસીમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.જો કે જાહેરાત બાદ કોવિડ કેર સેન્ટર શરૂ થયું નથી. જેથી દિનારા જિલ્લા પંચાયત સીટના સભ્ય તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રાંત અધિકારીને રજુઆત કરી છે.દિનારા જિલ્લા પંચાયત સીટના સભ્ય સમા મરીયમબાઈએ આવેદનમાં જણાવ્યું કે, ખાવડામાં દિનારા પીએચસી અને ખાવડા સીએચસી આરોગ્ય કેન્દ્ર આવેલા છે આ કેન્દ્રોમાં રોગોની પ્રાથમિક સારવાર અપાઈ છે હાલની સ્થિતિમાં કોવિડની સારવાર ન મળતી હોવાથી અહીંના લોકોને ૯૦ કિલોમીટર દુર ભુજ સુધી ધક્કો ખાવો પડે છે. હાલમાં દિનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૦ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જાહેરાત કરાઈ છે. જે આવકારક દાયક પરંતુ અહીં મેડીકલ સુવિધા પુરી પાડવામાં આવે તો જ લોકોને રાહત થશે. સ્થાનિકો તબીબ પાસેથી દવા લઈ સંતોષ માની લે છે તેમજ કોરોનાના નિયમો અનુસરતા નથી. જે સુપર સ્પ્રેડર બને તે પહેલા સુવિધાઓ ઉભી કરવા માંગ કરાઈ છે. જે પ્રમાણે જાહેર કરેલ સીસીસીમાં તાત્કાલીક બેડની વ્યવસ્થા, ટેસ્ટ કીટ વધારવી, ર૪ કલાક મેડીકલ ઓફીસર, રપ ઓક્સિજન સિલીન્ડર, પુરતો મેડીકલ જથ્થો તેમજ ખાવડા સીએચસીમાં કોવિડ ચકાસણી સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે. પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીને રજુઆત કરતી વખતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, રસીદભાઈ સમા, પી.સી. ગઢવી, અંજલી ગોર, ધીરજ રૂપાણી, સલમાન સમા વગેરે હાજર રહ્યા હતા.