દારૂના ગુનામાં ૪ માસથી નાસતો-ફરતો ભુજનો આરોપી ઝડપાયો

ભુજ : અહીંના બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપી પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ઝડપી પાડ્યો હતો. છેલ્લા ૪ માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપીને ભુજ બી-ડિવિઝન પોલીસને હવાલે કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભુજના પ્રમુખ સ્વામીનગરમાં ચંગલેશ્વર સોસાયટીમાં રહેતા આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફ મુન્નો બહાદુરસિંહ ઝાલાને ઝડપી પાડ્યો હતો. આરોપી પીજીવીસીએલના ગેટની સામે ગોલ્ડન પેલેસ બિલ્ડિંગ પાસે હાજર હોવાની મળેલી બાતમીને આધારે પોલીસે તુરંત જ વર્કઆઉટ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી ૪ માસથી દારૂના ગુનામાં નાસતો ફરતો હતો. તેની વિરૂદ્ધ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયેલો હોવાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે તેને બી-ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.