દહિંસરા-ચુનડી રોડ પર કારે બાઈકને ટક્કર મારતા તરૂણનું મોત

કેરાના વૃદ્ધે શ્વાસની બીમારીના કારણે જી.કે. હોસ્પિટલમાં તોડ્યો દમ : ભુજના ગણેશનગરના વૃદ્ધે બીમારીને કારણે મીંચી આંખો

ભુજ : પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના ૩ બનાવોમાં એક તરૂણ અને બે વૃદ્ધોએ જાન ગુમાવી હતી. દહિંસરા-ચુનડી રોડ પર કાર-બાઈકના અકસ્માતમાં તરૂણનું મોત નીપજ્યું હતું. તો ભુજના કેરા અને ગણેશનગરમાં વૃદ્ધાએ બીમારીના કારણે આંખો મીંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ દહિંસરા-ચુનડી રોડ પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં દહિંસરામાં રહેતા ૧૬ વર્ષિય રજની અશ્વિનભાઈ દેવીપુજકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની વિગતો મુજબ હતભાગી તરૂણ મોટર સાયકલથી દહીંસરા પોતાની વાડી વિસ્તાર તરફ જતો હતો તે દરમિયાન પાછળથી આવતી જીજે૧ર-એકે-૧૪૦૪ નંબરની કારે ટક્કર મારતા હતભાગીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર દહિંસરામાં આપ્યા બાદ વધુ સારવાર માટે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજપરના તબીબે હતભાગીને મૃત જાહેર કરતા માનકૂવા પોલીસને જાણ કરાઈ હતી. માનકૂવા પોલીસે ફેટલ અકસ્માતનો બનાવ દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે.તો ભુજ તાલુકાના કેરામાં રહેતા નારાણભાઈ દેવજીભાઈ રાબડિયા (પટેલ) (ઉ.વ. ૬૩)એ બીમારીના કારણે દમ તોડ્યો હતો. હતભાગી ગત રોજ પોતાના ઘેર હતા તે દરમિયાન શ્વાસ લેવાની તકલીફ થઈ હતી. તેઓને ડાયાબિટીસની બીમારી પણ હતી. શ્વાસ રૂંધાતા તાત્કાલિક ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે ભુજના ગણેશનગરમાં ૭૮ વર્ષિય દેવશી માવજી વાઘજીયાણીએ બીમારીને કારણે આંખો મીંચી હતી. ગણેશનગરમાં ભાડાના મકાનમાં રહેતા વૃદ્ધ યાત્રાએ ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે બીમાર પડ્યા હતા અને ભુજની જી.કે. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં હતભાગીએ દમ તોડતા ભુજ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો માલો દર્જ કર્યો હતો.