દારૂબંધીના પૂર્વ કચ્છમાં લીરેલીરા..!:૧ માસમાં કરોડોનો શરાબ ઝડપાયો

દારૂબંધીના પૂર્વ કચ્છમાં લીરેલીરા..!:૧ માસમાં કરોડોનો શરાબ ઝડપાયો

થર્ટી ફર્સ્ટ પૂર્વે કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયા બાદ પણ સિલસિલો રહ્યો યથાવતઃ આડેસર ચેકપોસ્ટ પાસે મોટી સંખ્યામાં પકડાયો દારૂ : પૂર્વ કચ્છમાં બેરોકટોક અંગ્રેજી શરાબનું પરિવહન થતું હોવાથી પશ્ચિમ કચ્છમાં પણ બુટલેગરો મોજમાં

ભુજ : રાજ્યમાં દારૂબંધી હોવા છતાં સરહદી કચ્છ જિલ્લામાં અવાર-નવાર લાખો રૂપિયાનો શરાબ ઝડપાય છે તેવામાં પણ ચેકપોસ્ટ બંધ થયા બાદ આ સિલસિલો વધી ગયો છે. સમયાંતરે લાખો રૂપિયાનો શરાબ ઝડપાય છે. કેટલાક દારૂના ટ્રક તો બારોબાર છેક ભુજ સુધી પહોંચી આવે છે તેમ છતાં સ્થાનિક પોલીસને ભનક પણ મળતી નથી. પૂર્વ કચ્છમાં દારૂની મોટી ખેપ ઉતરે છે, જેમાં સ્થાનિક ખાખીધારીઓની સંડોવણી હોવાથી માલ બારોબાર ગંતવ્ય સ્થાને પહોંચે છે.છેલ્લા બે મહિનાની વાત કરીએ તો ર કરોડથી વધુનો શરાબ ઝડપાયો છે. થર્ટી ફર્સ્ટના અવસરે પોલીસે ૧ કરોડથી વધુનો શરાબ ર૦ દિવસમાં કબજે કર્યો હતો, જે બાદ પણ આ સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં નવા વર્ષના પ્રથમ મહિનામાં પણ અંદાજે ૧ કરોડ રૂપિયાનો શરાબ ઝડપાયો ચૂક્યો છે. શરાબના કિસ્સાની જો વાત કરવામાં આવે તો આડેસર ચેકપોસ્ટ પાસે પ૧.૮૩ લાખનો, બાદમાં ૩૩ લાખનો શરાબ ટેન્કરમાંથી ઝડપી પડાયો હતો. જે બાદ પોલીસે ચેકપોસ્ટ પાસે કારમાં બનાવેલા ચોરખાના, બસોમાંથી પણ દારૂ ઝડપ્યો હતો.
તાજેતરમાં સાણંદથી ગાંધીધામ આવતો પ૪ લાખનો શરાબ પણ કબજે થયો હતો. આ પૂર્વે ભચાઉના કટારિયા બ્રિજ પાસે ૪૧ લાખનો, અંજારના ખેડોઈ નજીક વાડીમાંથી ૬.પ૧ લાખનો શરાબ કબજે કરાયો હતો, તો રાપરથી માંડી છેક ગાંધીધામ-મુંદરા સુધી અવાર નવાર સ્થાનિક પોલીસના હાથે દારૂની બોટલો પકડાય છે, પરંતુ બુટલેગર હાથ લાગતા નથી. પૂર્વ કચ્છ જિલ્લામાં દરરોજ પ્રોહીબિશનના કેસો સામે આવે છે, પરંતુ આ એક માત્ર કમાણીનું સાધન હોવાથી સ્થાનિક પોલીસ દ્વારા પણ બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવી નામ પૂરતી કાર્યવાહી કરાય છે.

ભુજમાં તો ડીફેન્સના દારૂનો થાય છે ધૂમ વેપલો
ગાંધીધામ : ભુજમાં તો ડીફેન્સના દારૂ વેચાણનો પણ ખૂલાસો થઈ ચૂક્યો છે, તો શહેરના અમુક વિસ્તારોમાં પોલીસ રીતસર હપ્તા ઉઘરાવી ધંધો કરવા માટે પરવાનગી આપતી હોવાનું ચર્ચામાં છે. જો પૂર્વ કચ્છમાં શરાબનો જથ્થો પ્રવેશે જ નહીં, તો દારૂ પશ્ચિમ કચ્છ સુધી આવી શકે તેમ નથી. પૂર્વ કચ્છમાં નિયમોને નેવે મૂકી છડેચોક શરાબ આવતો હોઈ દારૂની બદી પશ્ચિમ કચ્છમાં પણ વ્યાપી ગઈ છે.

  • કયા ખાખીધારીના વાગડના બુટલેગર પર ૪ હાથ?

પૂર્વ કચ્છના કુખ્યાત બુટલેેેગર પુના-રામાને ઝડપો : તો જ દારૂની ખેપ આવતી અટકશે ?

વોન્ટેડ બુટલેગરો પોલીસ કચેરીઓ બહાર જ મારી રહ્યા છે આંટાફેરા : સીસીટીવી કેમેરોઓના ફુટેજની કરાય ચકાસણીઓ તો થાય મોટા ખુલાસા

ગાંધીધામ : વાગડ-ભચાઉ-ગાંધીધામ સહિતના પટ્ટામાં આવતો અથવા તો આવી ગયેલો તબક્કાવાર ઝડપાયેલો કરોડોનો દારૂનો જથ્થો સુચક જ કહી શકાય તેમ છે. દારૂબંધી અને તેને સલગ્ન ગુજરાત સરકારે સંશોધીત રજુ કરેલા નવા કાયદાને લઈને કેમ આ વિસ્તારમા નથી થતી ધાક બેસાડતી કાર્યવાહી? જાણકારો દ્વારા કહેવાય છે કે, અમુક ખાખીધારીઓના મોબાઈલ કોલની ઉચ્ચ અધિકારીઓ કરે ક્રોસ ચકાસણી તો કોણ કયા બુટલેગરોને છાવરે-સાચવે છે તના થઈ શકે છે ખુલાસા તો વળી પુના-રામા જેવા બુટલેગરો તો પોલીસ અધિકારીઓની કચેરીઓ બહાર જ આંટાફેરા કરતા રહે છે. આ કચેરીઓમા લાગેલા .સીસીટીવીની ચકાસણીઓ કરાશે તો પણ ભાગેડુ વોન્ટેડ આ બુટલેઘરો અહી કચેરીઓની બહાર જ આંટફેરા કરતા ડોકાઈ જવા પામી જશે તેવી આલબેલ પણ દર્શાવવામા આવી રહી છે.