તૌકતે વાવાઝોડું : કચ્છમાં SDRF – NDRF ની ટુકડીઓ સ્ટેન્ડ ટુ

જિલ્લાના કાંઠાળપટ્ટાના ગામડાઓમાં સ્થાનીકોને કરાયા સચેત : ખાનગી વેબસાઈટે કચ્છ – સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડાની ઘાત ટળી હોવાની આપી માહિતી, જો કે, હવામાન વિભાગ દ્વારા પવનની દિશાના આધારે સરકારી તંત્રોને અપાઈ છે માહિતી : અરબી સમુદ્રમાં વેલમાર્ક લો-પ્રેસર ડિપ્રેશનમાં થયું પરિવર્તિત

ભુજ : રાજયમાં કોરોનાની સાથે તૌકતે વાવાઝોડાની આફત પણ આવી પડી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૧૮મીના તૌકતે વાવાઝોડું કચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ સામે આવી છે. જેના કારણે કાંઠાળપટ્ટામાં સ્થળાંતર સહિત તકેદારીના પગલા લેવા સાથે રાહત ટુકડીઓ સ્ટેન્ડ ટુ કરી દેવાઈ છે. અલબત ખાનગી વેબસાઈટે કચ્છ – સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડાની ઘાત ટળી હોવાની માહિતી પણ આપી છે. જો કે, હવામાન વિભાગ દ્વારા પવનની દિશાના આધારે હાલ તુરંત કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે.આ અંગેની વિગતો મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલુ હવાનું હળવું દબાણ હવે ડિપ્રેશનમાં પરિવર્તીત થયું છે. આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશન ડીપડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. અને ૧૬મી મેના રોજ તૌકતે વાવાઝોડામાં રૂપાંતરિત થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સંભવિત વાવાઝોડુ ૧૮મી મેની આસપાસ ગુજરાતનાં દરિયા કિનારે ત્રાટકવાની સંભાવના છે. કચ્છમાં પણ વાવાઝોડાની આફત સામે તંત્ર સાબદું બન્યું છે. કાંઠાળ વિસ્તારોમાં પ્રાંત અધિકારીઓને જવાબદારી સોંપી દેવાઈ છે. મિટીંગો ઉપરાંત હવે એકશન પ્લાન પણ ચાલુ કરી દેવાયા છે. જિલ્લામાં તકેદારી માટે રાહત ટુકડીઓ પણ ફાળવી દેવાઈ છે. જો વાવાઝોડું ટકરાય અથવા ભારે વરસાદની પરિસ્થિતિ ઉભી થાય તો લોકોના બચાવ કાર્ય માટે જિલ્લામાં રાહત ટુકડીઓ સ્ટેન્ડ ટુ કરી દેવાઈ છે. ડિઝાસ્ટર વિભાગના ઈન્ચાર્જ મામલતદાર રાહુલ ખાંભરાએ કહ્યું કે, તૌકતે વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને રાખી કચ્છમાં એનડીઆરએફની એક ટુકડી ફાળવાઈ છે, જે સાંજ સુધીમાં ભુજ આવી જશે. હાલમાં આ ટીમને ભુજમાં સ્ટેન્ડ બાય રખાશે. પરિસ્થિતિને આધારે ટીમને દરિયાઈ વિસ્તારોમાં મોકલવામાં આવશે. તો એસડીઆરએફની એક ટીમ કચ્છમાં આવી હોવાનું જણાવી આ ટીમને ગાંધીધામ ખાતે સ્ટેન્ડ ટુ રખાઈ હોવાનું ઉમેર્યું હતું.આ વાવાઝોડુ ૧૯ કે ૨૦મી મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની શકયતા જોવાઈ રહી છે. દરમ્યાન કચ્છ – સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતાને પગલે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને દરિયામાંથી પરત આવી જવા જણાવાયું છે. સાવચેતીના ભાગ રૂપે દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા,રૂપેણ, વાડીનાર સહિતના બંદરોને એલર્ટ કરાયાં છે. તો કચ્છના કાંઠાળ વિસ્તારોમાં કંડલા, મુંદરા, માંડવી, જખૌ સહિતના દરિયાઈ પટ્ટામાં સતર્કતા દાખવવામાં આવી રહી છે. તો માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત ફરવા તાકીદ કરવામાં આવી છે. સાવચેતીનાં ભાગરૂપે કચ્છનાં જખૌના દરિયામાંથી માછીમારી માટે ગયેલી ર૦૦ જેટલી પરત આવી ચુકી છે. હજુ પણ દરિયામાં આઠ થી દસ બોટ છે, જે બપોર સુધીમાં પરત આવી જશે તેવું માછીમાર એસો.ના પ્રમુખ અબ્દુલાશા પીરજાદાએ કહ્યું હતું. માછીમારોને દરિયામાં જવા માટે આપવામાં આવતાં ટોકન પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

જખૌ બંદરેથી માછીમારો અને ગ્રામવાસીઓને સલામત સ્થળે ખસેડાયા

પ૦૦ જેટલા માછીમારોને તેમના વતન મોકલાયા : ગામના ૧૦૦ થી ૧પ૦ જેટલા લોકોને જખૌ શાળામાં મોકલવા કરાઈ વ્યવસ્થા : કાંઠાળપટ્ટાના ર૪ ગામોમાં આશ્રય સ્થાનો નક્કી કરાયા

જખૌ : હવામાન વિભાગની આગાહી મુજબ ૧૮મી મેથી ૧૯ મે દરમ્યાન અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં તૌકતે નામનું વાવાઝોડુ ટકરાવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેની તકેદારીના પગલાનાં ભાગરૂપે જખૌ બંદર ખાતે વસતા નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી છે. અબડાસાના જખૌ બંદરે વાવાઝોડાની સૌથી વધુ નુકશાન થવાની ભીતિ સેવાઈ છે. પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે જણાવ્યું કે, વાવાઝોડાની શક્યતાને ધ્યાને રાખી જખૌ પોર્ટ ખાલી કરવામાં આવ્યું છે. અહીં માછીમારી સાથે સંકળાયેલા પ૦૦ જેટલા લોકોને ગામથી દૂર જવા સમજુત કરાયા છે. જૂનાગઢ, જામનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાંથી માછીમારી માટે આવેલા પરિવારોને પરત વતન જવા બસની વ્યવસ્થા કરી અપાઈ છે. જખૌ ગામમાં ૧૦૦ થી ૧પ૦ જેટલા લોકોને વિસ્થાપીત કરવાની જરૂરીયાત છે, જેઓને આવતીકાલ સવાર સુધીમાં જખૌ પ્રાથમીક શાળામાં આશ્રય અપાશે. ખાસ તો કોવિડ ગાઈડલાઈનના કારણે સ્થળાંરીત કેન્દ્રમાં રખાતા લોકોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. જેથી સંક્રમણ વધે નહીં. તાલુકામાં કાંઠાળપટ્ટાના ર૪ ગામો છે. જે તમામ ગામોમાં આશ્રય સ્થાનો નક્કી કરી લેવાયા છે. ટીડીઓ તેમજ મામલતદારને સ્થળાંરીત સંદર્ભે જવાબદારી સોંપી દેવાઈ છે. નોંધનીય છે કે, ગઈકાલે પ્રાંત અધિકારીએ જખૌ બંદર, સ્થળાંતરીત આશ્રય સ્થાનો સહિતનાઓની મુલાકાત લીધી પરિસ્થિતિ ચકાસી હતી. આજે પણ કલેકટર અને સ્થાનીક તંત્ર સાથેની મિટીંગ બાદ કાંઠાળપટ્ટાના ગામોની મુલાકાત લેવામાં આવી રહી છે.

કોવિડ હોસ્પિટલો જનરેટરની તાકીદે કરે વ્યવસ્થા

સંભવતઃ વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ વરસે તો વીજળી ગુલ થવાની શક્યતાને પગલે હોસ્પિટલમાં દર્દીઓને પરેશાની ન પડે તે માટે સંચાલકો ગોઠવે આગોતરું આયોજન

ભુજ : કચ્છમાં તૌકતે વાવાઝોડું ટકરાવવાની શક્યતાઓને પગલે તંત્ર સતર્ક બન્યું છે ત્યારે જિલ્લાની કોવિડ હોસ્પિટલો દર્દીઓની સલામતી માટે તાકીદે જનરેટરની વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે. કારણ કે, વાવાઝોડાના કારણે જિલ્લામાં વરસાદની શક્યતા હાલના તબક્કે સેવાઈ છે. જો ભારે પવન સાથે વરસાદ ખાબકે તો વીજપોલમાં ખાના ખરાબી સાથે પીજીવીસીએલની ડીપીઓમાં નુકશાનની સંભાવના નકારી શકાય નહીં. આવા સંજોગોમાં વીજ પુરવઠો ઠપ્પ થવાની પણ શક્યતા રહેલી છે ત્યારે કોવિડ હોસ્પિટલોમાં હાલના તબક્કે વેન્ટીલેટર, ઓક્સિજન પર દર્દીઓ દાખલ છે. તેઓની સારવારમાં ખલેલ ન પહોંચે તે માટે આગોતરું આયોજન ગોઠવી હોસ્પિટલમાં જનરેટરની વ્યવસ્થા કરે તે જરૂરી છે. મોટા ભાગની હોસ્પિટલમાં જનરેટર હોય છે ત્યારે ડિઝલ તેમજ તાકીદના સમય જનરેટર ચાલે તે માટે મેન્ટેનન્સ કરવું જરૂરી છે.