તૌકતે વાવાઝોડું : કચ્છના ૭ તાલુકાના ૧ર૩ ગામોને સચેત કરાયા

સ્થળાંતરની નોબત આવે તો કોવિડ શંકાસ્પદ માટે અલગથી વ્યવસ્થા કરવા બેઠકમાં ચર્ચા કરાઈ

ભુજ : રાજ્યમાં તૌકતે વાવાઝોડુ આવવાની સંભાવનાના પગલે કલેક્ટર પ્રવિણા ડી. કે ના અધ્યક્ષ સ્થાને પૂર્વ તૈયારી માટેની બેઠક યોજાઇ હતી. તારીખ ૧૪ થી ૨૦મી મે દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાવાઝોડું આવવાની સંભાવનાને પગલે જિલ્લાના કાંઠાળા વિસ્તારોના સાત તાલુકાના ૧૨૩ ગામ માટે રાખવાની અગમચેતી અને
પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ હતી જે પૈકી જિલ્લાના લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા અંજાર અને ગાંધીધામ તાલુકાના કાંઠા વિસ્તારના કુલ ૧૨૩ ગામમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે નારાયણ સરોવરથી ભચાઉ સુધી બંદરો તેમજ માછીમારો અને અગરિયાઓ માટેની સાવચેતી બાબતે સંલગ્ન વિભાગો અને લાઇઝન અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.કલેકટરએ આ તકે અંતિમ દસ વર્ષની પરિસ્થિતિનો તાગ લઈને વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારી કરવા સંબંધિતોને સૂચિત કર્યા હતા. પીજીવીસીએલ, પાણી પુરવઠા, રોડ અને બિલ્ડીંગ વગેરેના અધિકારીઓને સંભવિત વાવાઝોડા સામે ઇમર્જન્સીમાં કરવાની કામગીરી માટે તાકીદે તૈયાર રહેવા સૂચિત કર્યા હતા. નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ પણ સંબંધિત સર્વે કચેરીઓ અને અધિકારીઓને તાલુકાવાર તમામ પૂર્વ તૈયારીની ચકાસણી અને વ્યવસ્થા માટે તાગ મેળવ્યો હતો તેમજ અગરિયાઓ,બંદરો, મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા શહેરો, સ્ટેશનો અને સેન્ટરમાં એલર્ટ રહેવા જણાવ્યું હતું. તમામ પૂર્વ તૈયારી માટે સૂચિતોની યાદી અને જવાબદારી વચ્ચે કોરોના માટે પણ તકેદારી રાખવા સૂચના આપી હતી.કલેકટર દ્વારા જરૂર પડે સ્થળાંતર અને આશ્રયસ્થાનો તેમજ કોવિડ કેર સેન્ટરમાં, સામાન્ય લોકો માટે, કોરોનાના શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવા ભાર મુકાયો હતો. એસટી, સંદેશા વ્યવહાર, વનવિભાગ અને મત્સ્યઉદ્યોગ વગેરેનું તાલુકા સ્તરે પણ બેઠકનું આયોજન થાય તેમ જણાવ્યું હતું.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડયુટી કલ્પેશ કોરડીયા,, જિલ્લા પુરવઠા અધિકારી ડો.રીના ચૌધરી, પાણી પુરવઠાના અધિકારી, જિલ્લા રજીસ્ટ્રાર વી.આર. પુરીયા, જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કનક ડેર, નાયબ વન સંરક્ષક શ્રી ઠક્કર, નાયબ માહિતી નિયામક એમ.ડી. મોડાસીયા, મત્સ્યોધોગના મદદનીશ નિયામક જે.એલ.ગોહેલ, આર એન્ડ બીના ઈજનેર આર.બી. પંચાલ, સિંચાઇમાંથી મદદનીશ ઈજનેર કે.વી.ટેલર, ભુજ ચીફ ઓફીસર શ્રી સોલંકી, ઈજનેર એચ.કે.રાઠોડ, કે.પી.દેવ, ભુજ મામલતદાર શ્રી બારહટ તેમજ ડિઝાસ્ટર શાખાના ઈન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર રાહુલ ખાંભરા, નાયબ મામલતદાર રમેશ ઠકકર, ડીવાયએસપી જે.એન. પંચાલ, એન. પટેલ એમ.બી. દાફડા વગેરે તેમજ અન્ય કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.