તૌકતે વાવાઝોડામાં રેસક્યુ માટે માધાપરમાં એનડીઆરએફની ટીમ ઉતરી

સિવિલ ડિફેન્સના જવાનોને પણ બચાવ રાહતની કામગીરીમાં સાથે રખાશે : માધાપર યક્ષ મંદિર ખાતે સંકલન સાથે રેસક્યુ માટે કરાઈ કવાયત

ભુજ : તૌકતે વાવાઝોડુ ગુજરાતમાં વેરાવળ નજીકથી લેન્ડફોલ્ટ થઈ ચુક્યુ છે. અને તેની અસર ધીમે ધીમે આગળ વધી રહી છે. આવતીકાલે કચ્છમાં પણ ભારે પવન અને વરસાદની સ્થિતિ નિર્માણ પામી શકે છે. જેને લઈને વહીવટી તંત્ર તો સજ્જ બન્યું છે, સાથે જ ભુજના માધાપર ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. જેની સાથે સિવિલ ડિફેન્સની જવાનો પણ બચાવ રાહતની કામગીરીમાં જોડાશે.

આ અંગેની વિગતો મુજબ પંજાબના લુધીયાનાથી એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડર રણજીતસિંહની ટીમ માધાપર યક્ષ મંદિર ખાતે તૈનાત કરાઈ છે. તેમની સાથે નાગરિક સંરક્ષણ કેન્દ્રના જવાનો પણ જોડાયા છે. તૌકતે વાવાઝોડાને કારણે જો ભારે પવન અને વરસાદની સ્થિતિ નિર્માણ પામે તો બચાવ રાહત માટે એનડીઆરએફની ટીમ સક્રિય થઈ ગઈ છે. માધાપર યક્ષ મંદિર ખાતે આશિસટન્ટ કમાન્ડર રણજીતસિંહે વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમજ વાવાઝોડા દરમિયાન એનડીઆરએફની ટીમ દ્વારા કઈ રીતે રેસક્યુ કામગીરી કરાય છે તેની માહિતી આપી હતી. સાથે જ સિવિલ ડિફેન્સના જવાનો સાથે એનડીઆરએફની ટીમે સંકલન કર્યું હતું. અને કઈ રીતે કામગીરી હાથ ધરવી તેનું પ્રેજેન્ટેશન પણ યોજાયું હતું. સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટે જણાવ્યુ હતું કે, એનડીઆરએફની સાથે આ વખતે સિવિલ ડિફેન્સના જવાનો પણ બચાવ રાહતની કામગીરીમાં જોડાવાના છે. ત્યારે એનડીઆરએફની ટીમના કમાન્ડર દ્વારા તેમને યોગ્ય માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું છે.