તૌકતેે વાવાઝોડા માટે તંત્ર સજ્જ

રાજ્યમંત્રીની અને જિલ્લા પ્રભારી સચિવની અધ્યક્ષતા હેઠળ પૂર્વ તૈયારીની છણાવટ કરાઈ : જિલ્લાના તમામ સબંધિત વિભાગો અને પ્રાંત અધિકારીઓને સૂચનાની અમલવારી સુનિશ્ચિત કરવા આદેશ

ભુજ : રાજયમંત્રી અને તૌકતે વાવાઝોડાંના કચ્છ પ્રભારી મંત્રી વાસણભાઇ આહિરની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી, ભુજ ખાતે જિલ્લામાં થયેલી પૂર્વ તૈયારીની છણાવટ કરવામાં આવી હતી.જિલ્લાના કાંઠા વિસ્તારના નીચાણવાળા ગામો, અગરીયાઓ, માછીમારો તેમજ બંદરોમાં સંભવીત તૌકતે વાવાઝોડા માટે પાવર સોર્સ, વાહન વ્યવસ્થા, પાયાની સુવિધાની તત્કાળ તૈયારી જેમાં પાણી પુરવઠો, વીજળી, એસ.ટી. અને વાહન વ્યવહાર, વન વિભાગ, આર.ટી.ઓ, સિંચાઇ, ફિશરીઝ, અને કોવીડ-૧૯ અંગેની વ્યવસ્થા માટે આરોગ્ય વિભાગને કરવાની થતી કામગીરી બાબતે વિસ્તૃત માહિતી મેળવી હતી.રાજયમંત્રી વાસણભાઇ આહિરે જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ડી.જી.સેટ તૈયાર રાખવા, પુરતો ઓકિસજન પુરવઠો રાખવા તેમજ વીજ પુરવઠો ખોરવાય તો કોવીડ-૧૯ના દર્દીને સારવારમાં કોઇ તકલીફ ન પડે તેમજ અસર પામતા વિસ્તારના લોકોને જીવન જરૂરીયાતની સગવડો મળી રહે તે જોવા પણ જણાવ્યું હતું.જિલ્લા પ્રભારી સચિવ જે.પી.ગુપ્તાએ જિલ્લાવાસીઓને પુરતો પાણી પુરવઠો અગાઉથી પુરો પાડવા ખાસ તાકિદ કરી હતી. વન વિભાગ અને માર્ગ વ્યવહારને વાવાઝોડા પૂર્વ અને પછીની કરવાની થતી કામગીરી તત્કાળ અમલી બને તેવી તાકિદ કરી હતી. આ માટે સોંપેલ કામગીરી સુનિશ્ચિત કરી દેવા જણાવ્યું હતું. જિલ્લાના બંદરો અને મત્સ્ય ઉતરાણ કેન્દ્રો પરની સ્થિતિ, સ્થળાંતરિત લોકોની પ્રાથમિક સુવિધા તેમજ કોરોના કોવીડ-૧૯ના પોઝીટીવ શંકાસ્પદ અને સામાન્ય સ્થળાંતરીત લોકોની પ્રાથમિક સુવિધાઓ માટે નોડલ ઓફિસરોના સંપર્ક તેમજ ફરજ સ્થળ પર હાજર રહેવા જણાવ્યું હતું. તૌકતેની સંભાવનાના પગલે અગરીયા, બંદરો,નીચાણવાળા વિસ્તારો અને હોસ્પિટલ વ્યવસ્થાઓ બાબતે પ્રશ્ન ઉદભવે તો તત્કાળ ઉકેલ આવે તેવી નક્કર તૈયારી માટે સબંધિતોને સુચિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કચ્છના પ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોરની નાદુરસ્ત તબિયતના પગલે તૌકતે વાવાઝોડાના પ્રભારી મંત્રી તરીકે વાસણભાઇ આહિરે સમગ્ર જિલ્લાની જવાબદારી સંભાળી કોરાની ગાઇડલાઇન અનુરૂપ જિલ્લા વહીવટી તંત્ર અને નોડલ ઓફિસરો દ્વારા થઇ રહેલી સમગ્ર કામગીરીનું સુચારૂ આયોજન કરાવી રહયા છે જેના ભાગરૂપે આજે આ બેઠકમાં તૌકતે વાવાઝોડા બાબતે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી તેમજ સૂચનાઓની અમલવારીની સુનિશ્ચિતા કરવા સબંધિત અધિકારીઓને આદેશ પણ કર્યા હતા. આના ભાગરૂપે રાજયમંત્રી, કચ્છ કલેકટરને સાથે રાખીને દિન દયાલ પોર્ટ કંડલા ખાતે જાત મુલાકાત લેશે.કલેકટર પ્રવિણા ડી.કે. દ્વારા જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ડી.જી.સેટની વ્યવસ્થાનો સહિત વીજ પુરવઠો ખોરવાતા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા, ઓકિસજન સપોર્ટ, આઇ.સી.યુ.ના દર્દીની સુરક્ષિતતા, આશ્રય સ્થાનોની વ્યવસ્થાઓ બાબતે તમામ પ્રાંત અધિકારીશ્રીઓને પણ નક્કરપરિણામ આપવા જણાવ્યું હતું. વીડીયો કોન્ફરન્સથી જિલ્લાના તમામ પ્રાંત અધિકારી પાસેથી વિગતો મેળવી હતી.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ભુજ પ્રાંત મનીષ ગુરવાની, ડીઆરડીએ નિયામક મેહુલ જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર શ્રી ગુરવા,પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઈજનેર અશોક વનરા, નાયબ વન સંરક્ષક હર્ષ ઠકકર, આર એન્ડ બી.નાકાર્યપાલક ઈજનેર આર.બી.પંચાલ, એસ.ટી.નિયામક શ્રી મહાજન, મદદનીશ મત્સ્યોધોગ નિયામક જે.એલ.ગોહેલ, આર.ટી.ઓ અધિકારી, સિંચાઇ વિભાગના શ્રી સોનકેસરીયા, મામલતદાર ડીઝાસ્ટર રાહુલ ખાંભરા, નાયબ માહિતી નિયામકશ્રી મિતેશ મોડાસીયા તેમજ સબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.