– તો કચ્છવ્યાપી બોકસાઈટકાંડનો ભાંડો ફૂટે

  • ખાણખનીજવિભાગ તટસ્થતાથી ઝુંબેશરૂપે તવાઈ બોલાવે

ખાણ ખનિજ તંત્ર કુંભકર્ણની નીંદ્રામાં હોઈ પોલીસ વિભાગને પાડવા પડે છે દરોડા : કચ્છમાં માત્ર જીએમડીસીને બોકસાઈટ ઉત્ખન્નની પરવાનગી હોવા છતાં અન્ય કંપનીઓ પણ બીજી ખનિજોના નામે બોકસાઈટ ખોદી કરી રહ્યા છે ગેરકાયદે વેંચાણ

(બ્યુરો દ્વારા)ભુજ : ભૌગોલિક રીતે આગવી વિશેષતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાં કિંમતી ખનિજ સંપદાનો વિપુલ પ્રમાણમાં જથ્થો ધરબાયેલો હોઈ ખાણ ખનિજ ઉદ્યોગ અહીં ફુલ્યો ફાલ્યો છે. ખાણ ખનિજ ઉદ્યોગની સાથે ખનિજ ચોરીનું પ્રમાણ પણ વધ્યું હોઈ સરકારને દર વર્ષે અબજોનો ચુનો પણ ચોપડવામાં આવે છે.ખનિજ ચોરી અટકાવવાની જવાબદારી ખાણ ખનિજ વિભાગની છે, પરંતુ કચ્છનું ખાણ ખનિજ વિભાગ કુંભકર્ણી નીંદ્રામાં જ પોઢેલું રહેતું હોઈ પોલીસ સહિતના વિભાગોને દરોડા પાડવાની ફરજ પડતી હોય છે. પુનડી સીમમાં લાંબા સમયથી બોકસાઈટની ચોરી થઈ રહી છે, તેમ છતાં ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ પગલા ન લેવાતા અંતે પશ્ચિમ કચ્છ પોલીસવડાના આદેશ બાદ સ્થાનીક પોલીસ તંત્ર દ્વારા બાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. કચ્છ જિલ્લામાં આવી અનેક કંપનીઓ દ્વારા પણ બોકસાઈટ ચોરી થઈ રહી છે તો તે દિશામાં પણ તપાસ હાથ ધરાય તો અનેક મોટા માથાઓના પગ નીચે રેલા આવી
શકે તેમ છે.આ અંગેની વિગતે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં બોકસાઈટ ઉત્ખન્નની પરવાનગી માત્ર જીએમડીસીને છે. જો કે, બોકસાઈટની સારી મળતી કિંમત ઉપરાંત કચ્છમાં સારી ગુણવતાનું બોકસાઈટ નિકળતું હોઈ અન્ય કંપનીઓ પણ ગેરકાયદે રીતે બોકસાઈટનું ખનન કરી સરકારને મસમોટો ચુનો ચોપડવામાં આવી રહ્યો છે. પુનડી સીમમાં ખુબ જ લાંબા સમયથી માનીકો માઈન્સ દ્વારા બોકસાઈટની ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી છે. જો કે, ખાણ ખનિજ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા પશ્ચિમ કચ્છ પોલીસવડાના આદેશો બાદ પોલીસ દ્વારા દરોડા પાડી કરોડોનો જથ્થો અને વાહનો જપ્ત કરાયા હતા. કચ્છ જિલ્લામાં આવી તો અનેક કંપનીઓ દ્વારા બોકસાઈટ ચોરીની પ્રવૃતિ ખુલ્લેઆમ ચાલી રહી છે. નખત્રાણા તાલુકામાં અગાઉ આવી જ બોકસાઈટ ચોરી થઈ રહી હતી, જેની સામે તત્કાલીન પ્રાંત અધિકારીએ લાલઆંખ કરી લાખોનો દંડ પણ ફટકાર્યો હતો. થોડા સમય પૂર્વે મુંદરાની પ્રાગપર ચોકડી પાસેથી પણ બોકસાઈટ ભરેલી ટ્રકો ઝડપાઈ હતી, પરંતુ આ પ્રકરણની તપાસ આગળ ન વધતા મામલો દબાવી દેવાયો હોવાનુ મનાાય છે. જિલ્લામાં બોકસાઈ ચોરીની આયોજનબદ્ધ રીતે પ્રવૃતિ ચાલી રહી છે. ન માત્ર બોકસાઈટ સહિત અન્ય ખનીજોનો પણ ગેરકાયદે ખનન કરી જિલ્લા બહાર પણ પરિવહન કરવામાં આવી રહ્યું છે. ભેજાબાજો અન્ય ખનિજોના નામે બોકસાઈટનું પરિવહન કરી રહ્યા છે. ટ્રકો તેમજ ડમ્પરોમાં નીચે બોકસાઈટ ભરી ઉપર તાલપત્રી પાથરી તેના પર અન્ય ખનિજનો જથ્થો રાખી તંત્રની આંખમાં ધુળ નખાઈ રહી છે. જો ખનિજોનું પરિવહન કરતા વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવે તો બોકસાઈટ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાઈ શકે તેમ છે. જિલ્લામાં થઈ રહેલી બોકસાઈટ ચોરીની પ્રવૃતિમાં મોટા ભાગના કિસ્સાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આશાપુરા કંપની જ સંકળાયેલી હોવાનુ મનાય છે.જો કે આ કંપની જુદા જુદા નામો પર કામ કરી હોઈ કંપનીના જવાબદારો દરેક વખતે આબાદ રીતે છુટી જતા હોય છે. પુનડી પ્રકરણમાં કંપનીના માલિક સહિતના જવાબદારો સામે પણ ફરિયાદ નોંધાઈ હોઈ હવે જો તટસ્થ તપાસ કરાશે તો અન્ય ખનિજ ચોરી પ્રકરણમાં પણ આ કંપનીની સંડોવણી બહાર આવી શકે તેમ છે.

રાજકીય ઓથ સિવાય ન થાય ખનીજચોરી :ઝભ્ભાલેંગાધારી સુધી લંબાવી જોઈએ તપાસ
ગાંધીધામ : ખનીજ ચોરી રાજકીય શેહ અને ઓથ વિના કરવી સંભવ હોતી નથી. ખનીજચોરીના પ્રકરણોમાં જો ઉંડાણપૂર્વકની ઘનિષ્ઠ તપાસ કરવામા આવે તો સમગ્ર તપાસના રેલા રાજકારણીઓ સુધી એક યા બીજી રીતે લંબાઈ શકે તેમ હોય છે. ખનીજચોરીને અટકાવી હોય તો માત્ર ફોલ્ડરીયાઓ પકડીને કે નામોની સામે ફરીયાદો દેખાડીને સંતોષ માની લેવાના બદલે રાજકીય ઝભ્ભાલેગાધારીઓને ખુલ્લા પાડવામા આવે તે સમયની માંગ હવે બની રહી છે.

એકાદ કેસમાં સરપંચ-તલાટી સામે કરો કડક લાલઆંખ
ગાંધીધામ : ખનીજચોરી અને તેમા પણ બોકસાઈટ જેવા પ્રતિબંધિત ખનીજની આયોનજબદ્ધ તસ્કરી થવા પામતી હોય તો એ કામ કોઈ ગણતરીની મિનિટોમાં પાર પડી શકતુ નથી. સહજ રીતે સમજાઈ શકે છે કે, ખનીજચોરી કરવા માટે મોટી સંખ્યામાં અદ્યતન વાહનો, ડમ્પરો, માનવશ્રમની જરૂરીયાત પડતી હોય છે. જો આવો અને આટઆટલો મોટાપાયે ધમધમાટ જે-તે વીસ્તાર-સીમાડાઓમાં થતો હોય અને તેની ખબર એલસીબી જેવી પોલીસની એજન્સીઓને ગાઉ દુર ગંધ આવી જતી હોય તો જે-તે વિસ્તારના તલાટી અને સરપંચને ખબર ન હોય તેવુ બને ખરૂ..! હકીકતમાં આ બાબતે એકાદ કિસ્સામાં સરપંચ અને તલાટીની જ જવાબદારી ફીટ કરી અને તેઓની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામા આવે તે જરૂરી બની રહ્યુ છે.

અભિનંદન છે ટીમ એસપી સૌરભસીંગની હિંમતભરી ધાક બેસાડતી કડક કામગીરીને..!

અનેક સ્થળોએ ગેરકાયદેસર થતા ઉત્ખનનમાં વર્ષો બાદ પ્રથમ વાર મોટા માથાઓ સામે એફઆઈઆર

 

આશાપુરા ગ્રુપ કંપનીના મોભી ચેતન નવનીતલાલ શાહ, વાઈસ પ્રેસિડેન્ટ પ્રકાશ કાંતિલાલ ગોર સહિતના મોટાગજાના વ્યક્તિઓની સંડોવણી સામે ફરિયાદ નોંધાતા ખનિજ વ્યવસાયકારોમાં પડ્યો સોંપો

માંડવી : તાલુકાના પુનડી બોકસાઈટ કાંડમાં જવાબદાર મોટા માથાની કંપનીઓના ૧ર જણ સામે ખનિજ ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ છે ત્યારે વર્ષોથી જિલ્લામાં ચાલતા બોકસાઈટના ઉત્ખનન મામલે લાંબા સમય બાદ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની કુનેહભરી કામગીરીને કારણે એફઆઈઆર નોંધાઈ છે.રાજ્ય સરકારના માઈન્સ એન્ડ મીનરલ્સના રૂલ્સ પ્રમાણે કચ્છમાં બોકસાઈટનું ઉત્ખન્ન કરવાની સત્તા માત્રને માત્ર જીએમડીસીને છે. છતાં પાછલા લાંબા સમયથી કચ્છમાં ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ઉત્ખન્ન કરીને ખનિજ ચોરી કરી સરકારની તિજોરીને આર્થિક નુકશાન પહોંચાડાઈ રહ્યું છે. જિલ્લામાં વર્ષોથી અન્ય ખનિજોની સાથે તેની આડમાં બોકસાઈટનું પણ ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરાતું હતું. પરંતુ પોલીસ અને ખાણ ખનિજ ખાતાની ઢીલી નીતિને કારણે ખનિજ માફિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરાતી ન હતી. પરંતુ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ આવ્યા બાદ માંડવીના પુનડી નજીકથી એલસીબીએ બોકસાઈટના ગેરકાયદેસર કરતા ઉત્ખનનો પર્દાફાશ કર્યો હતો, ત્યાર બાદ માપણી સહિત ખનિજના નમુનાઓના
પૃથકરણ સહિતની કામગીરી ખાણ ખનિજ ખાતા પાસેથી કરાવાઈ હતી. આ તમામ કાર્યવાહીમાં એસપીની સીધી દેખરેખ હેઠળ તપાસ થતા અંતે માનિકો કંપની અને તેની સંલગ્ન આશાપુરા કંપનીના જવાબદારો સામે ગુનો નોંધાયો હતો. આ સમગ્ર કેસમાં આશાપુરા ગ્રુપના માલિક ચેતનભાઈ નવનીતલાલ શાહ, વાઈસ પ્રેસીડેન્ટ પ્રકાશ કાંતિલાલ ગોર, સુપરવાઈઝર સુધીરકુમાર નંદલાલ પાઠક, હેમલભાઈ શાહ, ધર્મરાજ શાહ, પ્રદ્યુમનસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, અર્જુન નાંદો સાહુ, શંકર ગોવિંદ યાદવ, સીકરાદાસ મોતીદાસ તેમજ સલીમ સતાર કુંભાર વિરૂદ્ધ ગુનો નોંધાયો છે ત્યારે એસપી સૌરભ સિંઘે કરેલી કુનેહભરી કામગીરી કાબિલે દાદ કહી શકાય. વર્ષો બાદ કચ્છમાં આ પ્રકારે બોકસાઈટ ચોરી અંગેની ફરિયાદ નોંધાવા પામી છે.

નખત્રાણા પ્રાંત રાઠોડવાળી જ પુનડીકાંડમાં કરો..!

નખત્રાણાના તત્કાલીન પ્રાંતે કંપની સામે ફોજદારી દાખલ કરવા, તેનુ સ્ટોક લાયસન્સ રદ કરવા અને કરોડેાની તગડી પેનલ્ટી ફટકારવાના કરેલા આદેશથી જે-તે કંપની જરા સહેજ પણ ફાવી ન શકી : હવે પુનડીવાળા પ્રકરણમાં પણ થશે આવી કડકાઈ કે પછી કાગળ પર ફરીયાદો માત્રથી જ સંતોષ માની લેવાશે?

ગાંધીધામ : નખત્રાણામાં થોડા સમય પહેલા જ આવા જ એક બોકસાઈટ ચોરીના પ્રકરણનો પર્દાફાશ થવા પામ્યો હતો અને તેમાં નખત્રાણાના પ્રાંત અધિકારી દ્વારા પ્રાથમિક તપાસ રીપોર્ટ જ ખુબ કડક કરી દીધો હતો જેના લીધે બોકસાઈટ પર લુંટ ચલાવનારી કંપની છેલ્લે સુધી ફાવી શકી જ નહી અને તેમાં પણ કડક કાર્યવાહી થવા પામી ગઈ હતી. નખત્રાણા પ્રાંત દ્વારા જે-તે કંપની સામે સ્ટોરેજ લાયન્સ રદ કરવુ, પ૦ લાખથી વધુની પેલન્ટી ફટકારવી તથા ફોજદારી રાહે કામ કરવુ, ફરીયાદ નોધવી તેના સચોટ તારણો કલેકટરશ્રી સમક્ષ તપાસ અહેવાલમાં રજુ કરી દીધા હતા. હકીકતમાં પુનડીવાળા પ્રકરણમાં પણ આ જ રીતે કડકાઈ આદરવામાં આવે તે સમયની માંગ બની રહી છે.

પુનડી પ્રકરણમાં ધાક બેસાડતી કાર્યવાહીથી

  • આશાપુરા કંપનીના અનેક જુના કેસોમાં પણ નવાજુનીના ભણકારા
  • કેટલાક પ્રકરણો ફાઈનલ હિયરીંગમાં હોઈ તેમાં આવશે ગતિ

ભુજ : માંડવી તાલુકાના પુનડી સીમમાં ઝડપાયેલ બોક્સાઈટ કાંડમાં પશ્ચિમ કચ્છ એસપી સૌરભસીંગની ટીમે ધાક બેસાડતી કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં તો ફફડાટ ફેલાયો જ છે. સાથોસાથ આશાપુરા કંપની દ્વારા ચાલતા બોક્સાઈટ ચોરી કાંડનો પણ પર્દાફાશ થયો છે.બોક્સાઈટ ચોરી પ્રકરણમાં આશાપુરા કંપનીનું નામ બહાર આવતા આજ કંપનીના અગાઉના ખનીજ ચોરી પ્રકરણના કેસો પણ ચર્ચામાં આવ્યા છે. અન્ય ખનીજ ચોરી પ્રકરણના કેસો પણ આશાપુરા કંપની અને તેના જવાબદારો સામે ચાલી રહ્યા છે. કેટલાક પ્રકરણની ફાઈનલ હિયરીંગ ચાલી રહી છે. ત્યારે પુનડી પ્રકરણને પગલે જુના કેસોમાં પણ ગતિ આવવાની સાથે નવાજુની થવાના ભણકારા સંભળાઈ રહ્યા છે.