તોકતનુ જોખમ ઘટતાં કંડલા અને મુદ્રા બંદર ધમધમ્યા : બંને બંદરો પર સિગ્નલ નંબર ૮ માંથી નં. ૩ કરાયા

ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સોમવારથી મંગળવાર સુધી ભારે જોખમ ઊભું થયું હતું. કચ્છ જિલ્લો દરિયાકાંઠે હોવા ઉપરાંત બંદરીય જિલ્લો હોવાના કારણે પ્રશાસન દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી હતી અને રવિવારથી સ્થળાંતર સહિતની કામગીરી કરવામાં આવી હતી. જોકે, મંગળવારે સવારે ચિત્ર જાણે સ્પષ્ટ થયું હોય તેમ જોખમ ઓછું થતાં જિલ્લા તંત્ર સહિત તમામને હાશકારો અનુભવાયો હતો. બીજી તરફ, મહાબંદરગાહ  કંડલા અને ખાનગી પોર્ટ મુન્દ્રામાં ૮ નંબરનું ભયજનક સિગ્નલ પણ મૂકવામાં આવ્યું હતું. મંગળવારે તબક્કાવાર આ વાવાઝોડું ગુજરાતના કિનારામાંથી પસાર. થઇ જતાં ૩ નંબરનું સિગ્નલ લગાવીને સાંજે કંડલા અને મુન્દ્રાના બંને પોર્ટ પર કામગીરી શરૂ કરવામાં આવી હતી. તાઉ’તેના કારણે સદનસીબે કચ્છમાં ખાસ કોઈ નુકસાન કે ભારે હાનિ થઇ નથી અને માત્ર પવન સિવાય અન્ય કોઇ અસર ન થવાના લીધે હાશકારો થયો છે; ખાસ કરીને બંદરીય શહેરો અને ગામો હોવાના લીધે જો વાવાઝોડું જોખમી બને તો વધારે ખાનાખરાબી થતી હોવાની ભીતિ રહેતી હોય છે તાઉ’તે સિવિયર સાઈક્લોન અને ૧૦૦૦ કિલોમીટરનો વ્યાપ હોવાના લીધે કચ્છમાં વરસાદ અને ભારે પવનની આંગાહી વ્યકત કરાઈ હતી જેમાં આગાહી અમુક અંશે જ સાચી પડી હતી પણ ભારે નુકસાન થયું ન હતું. આ દરમિયાન કંડલા અને મુન્દ્રાની બંદરીય પ્રવૃત્તિ શવિવારે બપોરે ૩ વાગ્યાથી બંધ કરીને તમામ ઓપરેશન પર રોક લગાવાઈ હતી તથા બંદરીય વિસ્તારમાં રહેતા અને નીચાણવાળા ભાગોના લોકોને તંત્ર અને પોર્ટના સત્તાધિશોએ ઊંચ્ચા સ્થાન પર ખસેડ્યા પણ હતા અને પોર્ટ એરિયામાં પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. સોમવારે તાઉ’તેના વધતા જોખમની સાથે બંદર પર ભયજનક ગણાતું આઠ નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું હતું. જોકે, મંગળવારે સવારથી ભારે પવન ફૂંકાવા સિવાયનો વાવાઝોડાનો કરન્ટ ઘટી ગયો હતો અને હાશકારાનું વાતાવરણ જોવા મળ્યું હતું. તો બંદરો પર સાંજે પાંચ વાગ્યાના અરસામાં મોટા જહાજોને જેટી પર બર્થિંગ સહિત કામગીરીનો આદેશ સત્તાવાર જાહેર કરાયો હતો અને રાત્રે ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યા હતા