તેરા – નલિયા હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકનું મોત

(ક્રાઈમ પ્રતિનિધિ)નલિયા : અબડાસાના તેરા – બીટાથી નલિયા જતા માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત કાર ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. તેરાથી નલિયા માર્ગ પર ટ્રકની પાછળ પુરપાટ વેગે જતી કાર અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. નલિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અમીત નેણશીભાઈ મહેશ્વરી (ઉ.વ.૩૪)એ નોંધાવેલી ફરીયાદ મુજબ તેમના પિતા નેણશીભાઈ વાલજીભાઈ મહેશ્વરી (રહે. મુળ ગણેશનગર, ગાંધીધામ હાલ રહે. યોગેશ્વર સોસાયટી, નલિયા) પોતાના કબજાની સ્વીફટ ડીઝાયર જીજે૧ર. સીડી ર૧૮૮ નંબરની કારમાં જતા હતા તે દરમ્યાન આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ધડાકા ભેર કાર ભટકાવતા ચાલક નેણશીભાઈને શરીરના ભાગે તેમજ છાતી અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવને પગલે નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરતા પીએસઆઈ વી. બી. ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.