તારાચંદભાઈ છેડા અને જીગર છેડાની આરોગ્ય ક્ષેત્રે સેવા અવિરત.. : મસ્કાની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ ૮૦૦ દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા

મસ્કા કોવિડ હોસ્પિટલમાં છ હજારથી વધુ દર્દીઓએ ઓપીડીનું લાભ  લીધું : દર્દીઓને અપાતી વિનામૂલ્યે સેવા બની આશીર્વાદરૂપ : વિવિધ દાતાઓ દ્વારા હોસ્પિટલને ખૂટતી વસ્તુઓ અપાઈ : વાવાઝોડા સમયે દર્દીઓને સમરસમાં લઈ જવાયા ત્યારે પણ છેડા પરિવારે દર્દીઓને તકલીફ ન પડે એ માટે રાખી હતી કાળજી : વહીવટી તંત્રનો પણ પુરો સહયોગ મળી રહ્યો છે : સર્વ સેવા સંઘનો સુત્ર સેવા હી સાધના સાર્થક કરતા છેડા પરિવાર

ભુજ : કચ્છમાં રાજકીય અગ્રણીનો આરોગ્ય ક્ષેત્રે સેવા માટે સૌ પ્રથમ કોઈ પરિવારનો નામ આવે તો તે છેડા પરિવારનો આવે છે. તારાચંદભાઈ છેડા તેમજ જીગર છેડાએ કોરોના કાળમાં આરોગ્ય ક્ષેત્રે સારી એવી સેવા કરી છે. છેડા પરિવાર કચ્છમાં જ્યારે દુષ્કાળ હોય કે કોઈ આફત આવે ત્યારે સેવા માટે આગળ જ રહેતા હોય છે. તારાચંદભાઈ છેડાની સંસ્થા સર્વ સેઘા સંઘ પણ એ જ સુત્ર સેવા હી સાધનાસાથે કામ કરે છે. હાલ માંડવી તાલુકાના મસ્કા મધ્યે સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલુ છે.

છેલ્લા ૧૦ મહિનાથી દાતા દામજીભાઈ એન્કરવાલા અને જાદવજીભાઈ એન્કરવાલાના આર્થિક સહયોગથી અને સરકારના સહકારથી માંડવી તાલુકાના મસ્કા મુકામે સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ સંચાલીત એન્કરવાલા જનરલ હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત ૮૦૦થી વધુ દર્દીઓ કોરોનાની વિનામૂલ્યે સારવાર લઈ કોરોના મુકત થયા છે.  મસ્કા કોવડી હોસ્પિટલમાં વહીવટી તંત્રનો પણ પુરો સહયોગ મળી રહ્યો છે. કોરોના મહામારીમાં વહીવટી તંત્ર અને સેવાકિય સંસ્થાની સેવાનું મિલન એટલે મસ્કા કોવિડ હોસ્પિટલ તે કહેવું પણ અતિશ્યક્તિ ભરો નહી હોય.

સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, ૧૦ એકરના વિશાળ કુદરતી વાતાવરણ વચ્ચે એન્કરવાલા કોવીડ હોસ્પિટલ દર્દીઓને આર્શીવાદરૂપ થઈ રહી છે.ગામના યુવા સરપંચ કીર્તીભાઈ ગોર અને તેમની ટીમ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારજનોની જે સેવા કરવામાં આવે છે તે અભિનંદનને પાત્ર છે. એન્કરવાલા જનરલ  હોસ્પિટલ ખાતે છેલ્લા ૧૦ મહિનાથી શરૂ થયેલ કોવિડ વિભાગમાં સારવાર મેળવી સાજા થયેલ દર્દીઓ દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિમાં હોસ્પિટલને ખુટતી વસ્તુ અને સાધનોની ભેટ અપાઈ છે. ફોકીયા સંસ્થા દ્વારા

હોસ્પિટલને પાંચ નંગ ઓકિસજન કોન્સનટ્રેટર મશીન, બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા પાંચ નંગ ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન, માંડવી તાલુકાના રામપર વેકરા નિવાસી દાતા સ્વ. દેવુબેન લાલજીભાઈ હાલાઈ પરિવાર અને મસ્કા ગામના શિવનગર નિવાસી દાતા મનજીભાઈ ધનજીભાઈ રાબડીયા પરિવાર દ્વારા, મદનપુરા લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સમાજ દ્વારા એમ કુલ ૩૩ નંગ ઓકિસજન કોન્સનટ્રેટર મશીન, રોટરી કલબ ઓફ ભુજ દ્વારા બે નંગ ઓક્સિજન બાયપેપ મશીન હોસ્પિટલને ભેટ આપવામાં આવ્યા હોવાનું અને દરરોજ વિવિધ દાતાઓ દ્વારા દર્દીઓને વિવિધ ફ્રુટનું પણ દાન  આપવામાં આવતું હોવાનું હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડૉ. મૃગેશભાઈ બારડે જણાવ્યું હતું. સંસ્થાના મેડીકલ કન્વીર જનરલ સર્જન ડૉ.કૌશિક શાહના માર્ગદર્શન હેઠળ ડૉ. સન્ની, ડૉ. દીપ, ડૉ. કનકસિંહ મોરી, ડૉ. હેન્સીબેન અને ૨૪થી વધુ નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહ્યા હોવાનું સંસ્થાના ટ્રસ્ટી જીગરભાઈ છેડાએ જણાવ્યું હતું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યેે સારવાર લઈ રહ્યા છે જયારે રોજ ૧૦૦થી વધુ આઉટડોર દર્દીઓ આ વિનામૂલ્યે સેવાનો લાભ લઈ રહ્યા છે. કોરોના બિમારીની બીજી લહેરમાં અત્યાર સુધી ૮૦૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ કોરાના મુકત થઈ હસતા મુખે પોતાના ઘરે પરત ગયા છે.

અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં તાઉતે વાવાઝોડું આવ્યું ત્યારે મસ્કાની હોસ્પિટલમાં દાખલ ૬૦ જેટલા દર્દીઓને ભુજની સમરસ હોસ્પિટલમાં સિફટ કરવામાં આવ્યા હતા. સમરસમાં પણ મસ્કા હોસ્પિટલનો સ્ટાફ તૈનાત રહ્યો હતો. દર્દીઓને હુંફ મળી રહે તે માટે છેડા પરિવાર દ્વારા સતત તેઓની મુલાકાત લઈ કાળજી લેવાતી હતી. હોસ્પિટલમાં સારવારની સાથે પરિવાર જેવો માહોલ હોવાથી દર્દીઓ ઝડપભેર સ્વસ્થ થઈ રહ્યા છે. કોરોનામાં જ્યારે દર્દીઓ માનસિક રીતે કંટાળી જાય છે ત્યારે મસ્કા હોસ્પિટલમાં દર્દીઓને પરિવાર જેવો અનુભવ કરાવી માનસિક રીતે તેઓનું મનોબળ મજબૂત બનાવાય છે. માનવતાનું આ કામ હાલના સમયે અનેકો માટે પરોપકારી બન્યું છે. તે વખતે સમરસ હોસ્પિટલમાં સર્વ સેવા સંઘ દ્વારા દર્દીઓ માટે છાશ, પાણી સહિતની વ્યવસ્થા પણ ઉભી કરાઈ હતી.

યુવા સરંપચ કિર્તિ ગોર અને તેની ટીમની સેવા સરાહનીય

મસ્કા : માંડવી તાલુકાના મસ્કા ગામના યુવા સરંપચની કામગીરી અન્ય સરપંચોમાં દાખલા રૂપ બની રહી છે. મસ્કા કોવિડ હોસ્પીટલમાં જ્યારથી શરૂ કરાઈ ત્યારથી ખડે પગે રહેની સરપંચ અને તેની ટીમ સેવા કરી રહી છે. મસ્કાના યુવા સરપંચ કીર્તીભાઈ ગોર અને તેમની ટીમ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારજનોની જે સેવા કરવામાં આવે છે તે અભિનંદનને પાત્ર છે.