તાઉ તે વાવાઝોડાના પગલે ઉપલેટામાં બાગાયતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન

અમદાવાદ,તા.૧૯ ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે, તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બાજરી, ડાંગર, મગફળી સહિતના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ નાળિયેરી, કેળા, કેરી જેવા બાગાયતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. રાજકોટના ઉપલેટામાં પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વાવાઝોડાને પગલે કેળાની ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. વાવાઝોડાને પગલે કેળાનો તૈયાર થઇ ગયેલ ૭૦ ટકા પાક જમીન દોષ થયો છે. તો નુકસાનને પગલે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે. આ તરફ તાઉ તે વાવાઝોડાને પગલે જેતપુર તાલુકામાં ખેતીને વ્યાપક નુક્સાન થયું છે. જેતપુર તાલુકામાં ઉનાળુ વાવેતરમાં તલ, મગફળી, બાજરી જેવા પાકોનું અંદાજીત ૮ હજાર હેકટર જેટલું વાવેતર કરવામાં આવ્યું હતું. એક તરફ ખાતરના વધતા ભાવથી ખેડૂતો પરેશાન હતા તેના પર વાવાઝોડાએ ઉભી કરેલી આફતથી ખેડૂતો બેઠા થાય તેવું લાગતું નથી. ધરતીપુત્રોની મહેનત પર વાવાઝોડું ફરી વળ્યું અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેતી નુકસાન વિશે વાત કરતા કહ્યું કે, ઉનાળુ પાકને અસર થઇ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઇ છે જ્યાં પશુઓના મોત થયા છે, તેમને સહાયતા તથા ઘરવખરી આપવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે તથા માછીમારો અને ખેડૂત સહિત તમામને સહાય ચૂકવવામાં આવશે તેવું પણ જણાવ્યું.