તાઉતે વાવાઝોડું સંકટ : કચ્છમાં પીજીવીસીએલની ૧૩૭ ટીમો ખડેપગે

ભુજ ડિવિઝનમાં ૬૩ અને અંજાર ડિવિઝનમાં ૪ર ટીમો રખાઈ સ્ટેન્ડ ટુ : વડોદરાથી વધારાની ર૦ ટીમો કચ્છમાં બોલાવાઈ : સંભવતઃ વાવાઝોડાને લઈને વિજ વિક્ષેપ સર્જાય તો તાકીદના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવા વીજ વિભાગની ટીમો સર્તક

ભુજ : રાજ્યમાં તાઉતે વાવાઝોડાની અંણધારી આફત આવી પડી છે. ચક્રવાતી તોફાન તાઉતે રાજ્યની ઉત્તર દીશાના ઉત્તરીય પશ્ચિમ કાંઠે પહોંચવાની શક્યતાઓ છે. અગાઉ આ વાવાઝોડું નલિયા-પોરબંદરના દરિયામાં ટકરાવવાની શક્યતા હતી. જોકે, હવામાન વિભાગના નવા બુલેટીનના આધારે આજે મોડી સાંજે ૮થી રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં આ વાવાઝોડું પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચે પસાર થાય તેવી પ્રબળ સંભાવના સામે આવી છે. જોકે, જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. વરસાદને પગલે વિજ વિક્ષેપ થવાની સંભાવના છે ત્યારે પીજીવીસીએલ વિભાગે પોતાની ૧૩૭ ટીમોને સ્ટેન્ડ ટુ રાખી છે. જેના પગલે તાકીદની સ્થિતિમાં યુદ્ધના ધોરણે વીજપુરવઠો પૂર્વવત કરી શકાય.આ અંગેની વિગતો મુજબ રાજ્યમાં તાઉતે વાવાઝોડાની આફતને લઈને સરકાર દોડતી થઈ ગઈ છે. રસીકરણની કામગીરી બે દિવસ મુલત્વી રાખી તમામ સરકારી તંત્રો વાવાઝોડા સામે લડવા સચેત બન્યા છે. ઠેર-ઠેર રાહત ટુકડીઓ તૈનાત કરી દેવાઈ છે. દરિયાકાંઠાના ગામો ખાલી કરાવી હજારો લોકોનું સ્થળાંતર કરાયું છે. શહેરોમાં અને ગામડાઓમાં હોર્ડિંગ્સો ઉતારી લેવાયા છે. ઠેર-ઠેર સાવધાનીના પગલા વચ્ચે તંત્રના અધિકારીઓ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા દોડતા થયા છે ત્યારે જિલ્લામાં વાવાઝોડાને પગલે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પૂર ઝડપે પવન ફુંકાવવા સાથે વાવાઝોડું ત્રાટકે તો વીજ થાંભલાઓ ધરાશાઈ થવા સાથે ફીડરોમાં નુકશાનીની સંભાવના છે. તકેદારીના ભાગરૂપે પીજીવીસીએલ વિભાગ દ્વારા હાલ વાવાઝોડાની પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. કચ્છમાં જિલ્લાની ટીમો ઉપરાંત વડોદરાથી પણ ર૦ ટીમો યુદ્ધના ધોરણે બોલાવાઈ છે. ઉપરાંત પૂર્વ તૈયારીના ભાગરૂપે સબ ડિવિઝનોમાં વીજ થાંભલાઓ પહોંચતા કરી દેવાયા છે. ટ્રક અને વાહનોમાં જરૂરી સાધન સામગ્રીઓ ભરી દેવાઈ છે. જેથી તાકીદની સ્થિતિમાં વાહનમાં વસ્તુઓ લોડિંગ કરવામાં સમય વ્યર્થ ન જાય.પીજીવીસીએલ વિભાગના અધિક્ષક ઈજનેર એ.એસ.ગરવાએ વિગતો આપતા જણાવ્યું કે, સંભવતઃ તાઉતે વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ પીજીવીસીએલ વિભાગ દ્વારા ટીમોને તૈનાત કરી દેવાઈ છે. જેમાં ભુજ ડિવિઝનમાં ૬૩ અને અંજાર ડિવિઝનમાં ૪ર ટીમોને તૈનાત કરાઈ છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વડોદરાથી ર૦ ટીમો કચ્છને ફાળવાઈ છે. જેમાં ૧૦ ટીમો અંજાર અને ૧૦ ટીમો ભુજ ડિવિઝનમાં ફાળવાઈ છે. જે સાંજ સુધીમાં આવી જશે. ઉપરાંત તકેદારીના ભાગરૂપે ૬ સબ ડિવિઝનોમાં વધારાની ટીમો સ્પેરમાં રખાઈ છે. ભુજ ડિવિઝનના ભુજ, માંડવી, નખત્રાણા અને અંજાર ડિવિઝનના અંજાર, ગાંધીધામ અને ભચાઉ સબ ડિવિઝનમાં બે-બે ટીમો તૈનાત રખાઈ છે. આપાત કાલિન સ્થિતિને પહોંચી વળવા આ ટીમોની મદદ લેવાશે. ખાસ તો વરસાદ અને વાવાઝોડાની અસરના કારણે વીજ વિક્ષેપ થાય તો તાકીદના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવા અને રિસ્ટોરેશન માટે આ ટીમોને એલર્ટ રખાઈ હોવાનું ઉમેર્યું હતું. જિલ્લામાં રપ૩૦ થાંભલાઓ સબ ડિવિઝનક્ષેત્રે પહોંચતા કરી દેવાયા છે. ૩૦૦૦ ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ છે. ઉપરાંત ચાર ટ્રક અને ૯૬ વાહનો પણ હાજર છે. તમામ વાહનોમાં સમારકામના સાધનો, મેડિકલ કિટ સહિતની વસ્તુઓ ઉપલબ્ધ કરાવાઈ છે. વીજ વિક્ષેપ સર્જાય તો ગ્રાહકો વીજ કચેરીમાં સંપર્ક કરી શકે છે. વાવાઝોડાની આફક સામે પીજીવીસીએલ સજ્જ હોવાનું કહ્યું હતું.

કોવિડ હોસ્પિટલો સાથે પીજીવીસીએલ સંકલનમાં, ફીડર વાઈઝ એક એન્જિનિયર અને એક ટીમ ફાળવાઈ

ભુજ : કોરોના લહેર વચ્ચે રાજ્યમાં અને કચ્છમાં તાઉતે વાવાઝોડાની આફત આવી છે ખાસ તો વાવાઝોડાના કારણે પવન ફુંકાય કે ભારે વરસાદ ખાબકે તો કોવિડ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સ્થિતિ નાજૂક થાય તેમ છે. હાલ મોટા ભાગની હોસ્પિટલોમાં દર્દીઓ ઓક્સિજન અને વેન્ટીલેટર પર દાખલ હોય છે ત્યારે કોવિડ હોસ્પિટલોમાં વિજ વિક્ષેપ કે અન્ય કોઈ ક્ષતિ ન સર્જાય તે માટે પીજીવીસીએલ તંત્ર કોવિડ હોસ્પિટલો સાથે સંકલનમાં છે. અધિક્ષક ઈજનેર એ.એસ. ગરવાએ કહ્યું કે, કોવિડ હોસ્પિટલોમાં ડીજીસેટ-જનરેટરની વ્યવસ્થા કરી દેવાઈ છે. હોસ્પિટલોના ફીડરવાઈઝ એક પીજીવીસીએલની ટીમ તેમજ એક એન્જિનિયરની ફાળવણી કરાઈ છે. હોસ્પિટલોમાં વીજ પુરવઠાની ક્ષતિ ન સર્જાય તે માટેના પગલાં લેવાયા છે. જિલ્લામાં ૮પ કોવિડ હોસ્પિટલો આવેલી છે. જેમાં પાવર સપ્લાય માટે અલ્ટરનેટ ફીડરની વ્યવસ્થા ઊભી કરાઈ છે જો એ ફીડરમાં પણ નુકસાની થાય તો ડીજી સેટની વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. કોવિડ હોસ્પિટલોમાં ૧+૧ સપોટિંગ સિસ્ટમ ઊભી કરાઈ છે. જિલ્લામાં ઓક્સિજનના પાંચ પ્લાન્ટ છે. જેમાં પણ અલ્ટરનેટ ફીડરની વ્યવસ્થા ઊભી કરાઈ છે. સાંજ સુધીમાં ઓક્સિજન પ્લાન્ટોમાં વધારાના ડીજી સેટની વ્યવસ્થા ઊભી થઈ જશે તેવું ઉમેર્યું હતું.