તાઉ’તે વાવાઝોડા સામે કંડલા મહાબંદર સતર્ક : બંદર પર અતિ ભયજનક સ્થિતી દર્શાવતું ૮ નંબરનું સિગ્નલ લગાવાયું : કંડલા બંદર તેમજ આસપાસના કુલ ૮૨૦૦ જેટલા લોકોનું કરાયું સ્થળાંતર

વાવાઝોડા સંદર્ભે કચ્છનું વહીવટી તંત્ર સતત તકેદારીના પગલારૂપે કામગીરી કરી રહ્યું છે ત્યારે કચ્છમાં કંડલા મહાબંદર સહિત ચાર મુખ્ય બંદર આવેલાં છે જેથી બંદર અંગે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તે અનિવાર્ય છે. આ સંજોગોમાં કંડલા મહાબંદર દ્વારા તકેદારીના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આ અન્વયે ૪૦૦૦ જેટલા માછીમાર,૧૮૦૦ અગરિયાઓ,૨૪૦૦ મજૂરો એમ કુલ ૮૨૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે પૈકી ૮૦૦ જેટલા લોકોને ગાંધીધામના વિવિધ આશ્રયસ્થાન તેમજ અન્ય બાકીના ૭૪૦૦ લોકોને પોતાના વતન મીઠી રોહર, ચિરઈ,ચુડવા,વિડી તથા તૂણા વગેરે જગ્યાએ પરત મોકલવામાં આવ્યા છે. જે માટે સરકારી એસ.ટી.બસો તેમજ ખાનગી વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત ડીપીટી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત છે અને પોર્ટ પર અતિ ભયજનક સ્થિતિ દર્શાવતું ૮ નંબરનું સિગ્નલ પણ મુકવામાં આવ્યું છે. પોર્ટ ખાતે તમામ ટ્રાન્સપોર્ટેશન,લોડીંગ-અનલોડિંગની કામગીરી બંધ કરી દેવામાં આવી છે ઉપરાંત બધા જહાજોને પણ અગાઉથી જ બંદર પર પરત બોલાવી લેવામાં આવ્યા છે. મોનીટરીંગ માટે પેટ્રોલિંગની ટીમ પણ કાર્યરત કરી દેવામાં આવી છે. કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ટેકનિકલ સ્ટાફ તેમજ ઇમરજન્સી સ્ટાફ સિવાયના તમામને પોર્ટ પરથી ખસેડવામાં આવ્યા છે.