તાઉતે વાવાઝોડાના પગલે કચ્છમાં બાગાયતી ખેતીમાં સર્જાઈ પાયમાલી

ગઢશીશા – માંડવી પંથકમાં રાત્રીના ફુંકાયેલા ભારે પવનથી ૩૦ – પ૦ ટકા કેસર કેરીના પાકને નુકસાની : કેળાના પાકમાં પણ અંશત નુકસાનીની ભીતિ સેવતા ખેડૂતો : ગઢશીશા પીજીવીસીએલમાં ખેતવાડી વિસ્તારમાં ૧૪ ફિડરોમાં નુકસાન જતાં પાંચ ટીમો દ્વારા કામગીરી આરંભાઈ

ભુજ : ગુજરાતમાં મહુવા અને ઉનાના દરિયા કિનારે રાત્રીના ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર પંથકમાં વિનાશ વેરવાની સાથે કચ્છમાં પણ ૩પથી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુકાયો હતો. ગઢશીશા પંથકમાં ફુંકાયેલા ભારે પવનથી પીજીવીસીએલ ખેતીવાડી વિભાગના ૧૪ ફિડરો સાગમટે ફોલ્ટમાં ગયા હતા. જયારે પાંચ જેટલા ફિડરો હાલ કાર્યરત હોવાનું તેમજ સમારકામ માટે પીજીવીસીએલની પાંચ ટીમો યુદ્ધના ધોરણે કામે લાગી હોવાનું સેક્સન ઓફિસર વિપુલ પટેલે જણાવ્યું હતું. ગઢશીશા વિસ્તારમાં ૩પથી ૪૦ કિ.મી.ની ઝડપે ફુંકાયેલા ભારે પવનથી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયાનું પ્રગતિશીલ ખેડૂત બટુકસિંહ જાડેજા અને ભગવતસિંહ જાડેજાએ જણાવ્યું હતું. મહેન્દ્રભાઈ રામાણીએ કેસર કેરીમાં ૩૦ ટકા નુકસાન થયાનું જણાવ્યું હતું. ગઢશીશાના પ્રથમ નાગરીક ભાઈલાલભાઈ છાભૈયાએ અંશત કેળાની ખેતીને પણ નુકસાની થયાનું જણાવ્યું હતું. મઉ, રત્નાપર, દેવપર, ગઢશીશા, નાની વિરાણી, દુજાપર, દનાણા, દરશડી, રામપર વેકરા સહિતના ગામોમાં બાગયતી ખેતીમાં નુકસાન થવા પામ્યું હતું. દરમિયાન દુર્ગાપુરથી માંડવી એપીએમસીના ચેરમેન અને ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ વેલાણીએ કહ્યું કે, મોડી રાત્રે વરસાદ નહીં પણ થોડીવાર પુરતા ઝરમર છાંટા હતા બાજરીને પાકને નુકસાન છે અને હવે જો વરસાદ થાય આ સીઝનના કપાસ જેવા પાક ફેલ જાય કેમ કે વરસાદના રપ દિવસ સુધી વાવેતર કોઈ થાય નહી અને અમે તો આગામી ર દિવસમાં તો વાવેતર કરવાના છીએ અને હાલ તો પવન ફુંકાઈ રહ્યો છે. મોટી રાયણથી એસ.વી. પટેલે જણાવ્યું કે, મોડી રાત્રી ઝરમર છાંટા હતા. બાગાયતી પાકોને નુકસાન સાથે બાજરીને પણ ભારે પવન હોય એટલે પાકને નુકસાન તો થાય જ અને હાલ તો પવન સુસવાટા મારી રહ્યો છે.પદમપુરથી અરવિંદભાઈ ધોળુએ કહ્યું કે, રાત્રે ઝરમર ઝરમર છાંટા બાદ હાલ સુધી પવન ફુંકાઈ રહ્યો છે. હમણા સુધી પાકને નુકસાન નથી, જો હવે વરસાદ પડે તો પવનની ગતિ અવિરત રહી તો પાકને નુકસાન થવાની સંભાવના છે. બિદડાથી મોહનભાઈ રામાણીએ કહ્યું કે, રાત્રે ઝરમર છાંટા રૂપી નાનો એવું ઝાપટું હતું. હાલે ભારે પવન ફુકાઈ રહ્યો છે. કેરી પ૦ ટકા નીચે પડી ગઈ છે, જો હજી વરસાદ પડે તો બાજરાને પણ ૧૦૦ ટકા નુકસાન થાય છે.