તાઉતેની ઘાત ટળી : કચ્છમાં આજે પવન સાથે વરસાદની આગાહી

વાગડથી લઈ લખપત સુધી સરકારી તંત્રો રહ્યા એલર્ટ મોડમાં : ગઈકાલે આખી રાત તંત્રના જવાબદારો પરિસ્થિતિનું કરતા રહ્યા મોનિટરીંગ : સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ તબાહી મચાવી : જોકે, કચ્છમાં રાત્રિ અને દિવસ દરમ્યાન ઝરમર વરસાદ સિવાય ક્યાંય મોટી નુકસાની ન થતા તંત્રએ લીધો રાહતનો દમ

મુંદરા અદાણી બંદર પણ આજથી પુર્વવત

હવામાન વિભાગે બંદરોને બેક ટુ નોર્મલનો સંકેત આપતા કચ્છના મુખ્ય બંદરોનો ધમધમાટ પુનઃ થશે શરૂ

એપીસેજ મુંદરા દ્વારા શીપીંગ એજન્ટ-ઈન્ટરનલ વિભાગ સહિતના સ્ટેકહોલ્ડર્સને કરી જાણ

ગાધીધામ : તાઉતે વાવાઝોડુ હવે ધીરે ધીરે હળવુ પડી રહ્યુ છે અને હવામાન વિભાગ દ્વારા પણ પોર્ટને નોર્મલ થવાની સુચનાચઓ આપી દીધી હોવાના પગલે કચ્છના અદાણી બંદર પર પણ અગમચેતીના ભાગરૂપે જે સેવાઓ બંધ કરી દેવાઈ હતી અને હલચલ પર રોક લગાવાી હતી તેને ફરીથી આજથી પુર્વવત કરી દેવામા આવી છે. આજ રોજ સવારના આઠ કલાકથી અદાણી બંદર મુંદરા પર પોર્ટ ઓપરેશન પૂર્વવત કરી દેવામા આવી રહ્યુ છે. તમામ શીપીંગ મુવમેન્ટ ફરીથી રીસ્ટોર કરી દેવામા આવી છે. અદાણી બંદરના કેપ્ટન સચિન શ્રીવાસ્તવ દ્વારા આ બાબતે પોર્ટના યુજર્સને મેઈલ મારફતે જાણ કરી દીધી છે. બંદર પ્રસાસન વાવાજોડાની સ્થીતીને લઈને હવામાન વિભાગના સતત સંપર્કમાં જ રહેલ છે.

ભુજ : રાજ્યમાં તાઉતે વાવાઝોડાની આફત આવી પડતા સમગ્ર રાજ્યમાં સરકારી તંત્રોની ઉંઘ હરામ થઈ ગઈ હતી. ગઈકાલની રાત તો લોકોએ હેમખેમ પસાર કરી હતી. ગઈકાલે મોડી સાંજે દીવના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાયું હતું. આ સાથે મહુવા, ગિર, સોમનાથ, કોડીનાર, ભાવનગર, પોરબંદર, જામનગર, ઉના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વીજપોલ, વૃક્ષો ધરાશાયી થયા છે. સૌરાષ્ટ્રને વાવાઝોડાએ ઘમરોળી નાખ્યું છે. અગાઉ આ વાવાઝોડું કચ્છના દરિયા કાંઠે ટકરાવવાનું હતું. જોકે, વાવાઝોડું ફંટાઈ જતા કચ્છ પરથી ઘાત ટળી હતી. દરમ્યાન ભારે વરસાદ સાથે પવનની ફુંકાવવાનો અંદેશો હતો. જોકે, ગઈકાલે સાંજથી ઝરમર વરસાદ સમગ્ર જિલ્લામાં વરસ્યો છે. ક્યાંય પણ મોટી નુકસાનીના સમાચાર નથી, જેના કારણે તંત્રએ રાહતનો દમ લીધો છે. તકેદારીના ભાગરૂપે જિલ્લામાં દરિયાકાંઠે વસતા લોકોનું સ્થળાંતર, એનડીઆરએફની ટીમો, મરીન ટાસ્ક ફોર્સ સહિતની ટીમો સાબદી બની હતી. તકેદારી અને પ્રિકોશનના પગલાં લેવાતા જિલ્લામાં ક્યાંય જાનહાનિ કે માનહાનિ થવા પામી નથી. ડીઝાસ્ટર મામલતદાર રાહુલ ખાંભરાએ કહ્યું કે, જિલ્લામાં મોડી રાતથી વરસાદ વરસ્યો હતો. જોકે, ક્યાંય મેજર નુકસાનીના સમાચાર સાંપડ્યા નથી. સાયકલોનની અસરના તળે આજે પૂર્વ કચ્છના કંડલા, રાપર, ભચાઉ સહિતના પટ્ટામાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબકી શકે છે. જોકે, હજુ પણ તંત્ર એલર્ટ મોડમાં છે. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા જિલ્લા વહિવટી તંત્ર સતર્ક હોવાનું ઉમેર્યું હતું. અત્રે નોંધનીય છે કે, કોરોનામાં કચ્છનું તંત્ર સજાગ રહ્યું તે વચ્ચે વાવાઝોડાની આફત આવી પડતા સરકારી તંત્રો વાવાઝોડા સામે લડવા સર્તક બન્યા હતા. ટીમ વર્ક અને તંત્રની આગોતરી મીટિંગો કામગીરી થકી જિલ્લામાં વાવાઝોડાની ક્યાંય નુકસાની થઈ નથી. તંત્રની મહેનત થકી લોકોએ પણ હાસકારો અનુભવ્યો છે. એક તબક્કે કચ્છમાં વાવઝોડું ટકરાશે તેવા અંદેશા સાથે તંત્રએ વ્યાયામ આદર્યો હતો. જોકે, વાવાઝોડું ન આવતા રાહતનો દમ લેવાયો છે. આજે ૧ર.૩૦ કલાકે હવામાન વિભાગે જાહેર કરેલ બુલેટીન અનુસાર કચ્છના કંડલા, માંડવી અને જખૌ બંદરે હજુ પણ તકેદારીના ભાગે રૂપે ૮ નંબરનું સીગ્નલ જ યથાવત રાખેલ છે.