તંત્રના અણઘડ વહીવટથી કચ્છમાં વેક્સિનના ૩૬૨૯ વાયલ થયા બરબાદ

એક તરફ લોકોને રસી મળતી નથી તેવામાં ૧૪ ટકા રસીના જથ્થાનો બગાડ થયો હોવાના અહેવાલો રાજ્ય સ્તરેથી આવ્યા સામે : વેક્સિનની એક વાયલ પર સરેરાશ ૧ થી ર જણને અપાતી રસીનો થાય છે વ્યય : સરહદી વિસ્તારોમાં લોકો રસી માટે ફાંફા મારે છે ત્યાં વ્યવસ્થાના અભાવે યુવાનો રસીથી રહી ગયા વંચિત

ભુજ : રાજયમાં વેક્સિનેશન પર સરકારે ભાર મુકયો છે. સરકારે જાેરશોરથી લોકોને રસી લેવા અપીલ કરી યુવાનોએ પણ રસી લેવા તત્પરતા દર્શાવી પણ પરિસ્થિતિ એવી છે કે, ચારે બાજુથી ધસારો થતા સરકાર ભીંસમાં આવી ગઈ છે, જેના કારણે લોકોને વેક્સિન મળતી નથી. વેક્સિનનો ઓછો જથ્થો અને લાભાર્થીઓ વધુ હોવાથી બે ડોઝ વચ્ચે અંતર પણ વધારી દેવાયું છે. આવા સમયે વેક્સિનની એક – એક વાયલનો સદુપયોગ થવો જરૂરી છે. પણ કચ્છ રાજ્યના અનેક જિલ્લાઓમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે વેક્સિનના ડોઝ બરબાદ થયા છે.

આ અંગેની વિગતો મુજબ કોરોના મહામારીમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવા સમયે વેક્સિન લઈ પોતાની જાતને સૌ કોઈ સુરક્ષિત કરવા માંગે છે. પણ લોકોને વેક્સિન મળતી નથી. પહેલા દર્દીઓને સારવાર આપવામાં તંત્ર નિષ્ફળ ગયું. હવે વેક્સિન આપવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે. રાજયમાં ૧.પ૧ લાખ વેક્સિનના ડોઝ બરબાદ થયા હોવાનું ઘટસ્ફોટ રાજય સ્તરે કરાયેલા સર્વેમાં બહાર આવ્યો છે. સરહદી કચ્છની વાત કરીએ તો કચ્છમાં ર૭ર૩૦ વેક્સિનનો જથ્થો આવ્યો જેમાંથી ર૩૬૦૧ વાયલના જથ્થાનો ઉપયોગ થયો. અંદાજે ૩૬ર૯ વાયલનો બગાડ થયો હોવાનું ફલિત થયું છે, જે સરેરાશ વેક્સિનના ૧૩ ટકા છે. સામાન્ય રીતે કોવિશીલ્ડ કે કોવેક્સિનની એક વાયલમાંથી ૧૧ થી ૧ર લોકો રસીનો ડોઝ મેળવી શકે છે. તંત્રએ એક વાયલમાંથી ૧૦ જણને સરેરાશ લાભ આપવાનો નક્કી કર્યું છે, જેથી દરેક વાયલ દીઠ એક થી બે જણને અપાતી રસીનો વ્યય થાય છે. કેટલાક સેન્ટરોમાં અનુભવી સ્ટાફ દ્વારા આ વાયલના બગાડના બદલે તેનો સદુપયોગ કરાતો હોય છે, કેટલીક લાભાર્થીઓની સંખ્યા સીમીત હોય ત્યારે પણ ડોઝનો બગાડ થાય છે. ઉદાહરણ તરીકે રસી લેવા ૧પ થી ૧૬ માણસો આવે તો એક વાયલમાંથી દસ જણને રસી અપાય, બાકીના પાંચને રસી આપવા બીજાે વાયલ વપરાશમાં લેવો પડે, જેથી તેમાં પાંચ જણની રસી પડી રહે પણ લાભાર્થી ન આવે તો રસી બરબાદ થવાની શક્યતા રહેલી છે. વેસ્ટેજના એવરેજ રેશીયા કરતા આ પ્રમાણ ઘણું મોટું છે.

એક બાજુ કોરોના હળવો થતા લોકો રસી લેવા લાઈનમાં ઉભા રહે છે. ધારેલા લક્ષ્યાંક મુજબ વેક્સિનેશન ન થવા પાછળ તંત્રનું કહેવું છે કે, સપ્લાય ઓછો આવે છે પરંતુ હકિકત એવી છે કે, ડોઝ તો આવે છે પણ રસીનો બગાડ થવાના કારણે વેક્સિનેશન થઈ શકતું નથી. વેક્સિનના બગાડ પાછળ તંત્રનું બચાવ એવો છે કે, વેક્સિનનું વાયલ ખુલે એ પછી ચાર કલાકમાં તમામ ડોઝનો વપરાશ કરવો પડે, એક વાયલમાં ૧૧ ડોઝ હોય છે. ઘણીવાર વાયલ ખોલ્યા બાદ લાભાર્થી ન આવવાથી બાકીના ડોઝને વેસ્ટેજ ગણી નાશ કરવો પડે છે.  નોંધનીય છે કે, ઘણા કિસ્સાઓમાં વેસ્ટેજ ડોઝ બાયો મેડિકલ વેસ્ટમાં નાખી દેવાય છે. રસીકરણના લાભાર્થીઓની નોંધ કરતું તંત્ર કેટલા ડોઝનો બગાડ થયો તેની વિગતો નોંધવાની સિસ્ટમ ધરાવતું નથી. વેક્સિનને માઈનસ ૧પ થી રપ ડિગ્રીમાં સાચવવી પડે છે. પરંતુ કેટલાક કોલ્ડ સ્ટોરેજ સ્ટેશનોમાં યોગ્ય તાપમાનમાં રસી ન સચવાતી હોવાથી વેક્સિનનો બગાડ થતો હોવાનું સામે આવ્‌ી રહ્યું છે. કેન્દ્ર સરકાર રાજ્યોને રસી આપે છે. રાજય સરકાર દ્વારા જિલ્લાઓમાં રસી પહોંચાડાય છે. તેવામાં મૌખિક રીતે જિલ્લા તંત્રોને એવી સુચના અપાઈ છે કે, જાે વેક્સિનનો બગાડ વધુ થશે તો વેક્સિન ઓછી મળશે. જેથી તંત્રના કારનામા પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે.