ડ્રગ્સ કેસઃ એનસીબીએ અભિનેતા એજાજ ખાનની પૂછપરછ બાદ કરી ધરપકડ

(જી.એન.એસ)મુંબઈ,અભિનેતા એજાજ ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના (એનસીબી) અધિકારીઓએ મંગળવારે રાતે મુંબઇ એરપોર્ટ પરથી અટકાયત કરી હતી. એજાજ રાજસ્થાનથી જેવો મુંબઇના એરપોર્ટ પર ઉતર્યો ત્યાં જ એનસીબીના અધિકારીઓએ તેની નારકોર્ટિક્સ કેસમાં પૂછપરછ માટે અટકાયત કરી લીધી હતી. આજે એટલે બુધવારે સવારે ૮ કલાકની પૂછપરછ બાદ એનસીબીએ એજાજની ધરપકડ કરી લીધી છે.આ કેસમાં પહેલા પકડાયેલા આરોપી શાદાબ શેખ ઉર્ફે શાદાબ બટાટાએ પૂછપરછમાં એજાજના નામનો ઉલ્લેખ કર્યો હતો. એનસીબીની ટીમને એજાજ ખાન અને બટાટા ગેંગની વચ્ચે થોડી લિંક મળી હતી. જે બાદ એનસીબીએ એજાજ ખાનને કસ્ટડીમાં લીધો હતો. આવું પ્રથમવાર નથી કે અભિનેતા આવી મુશ્કેલીમાં ફસાયો હોય. ગયા વર્ષે અભિનેતાની ફેસબૂક પર એક વિવાદિત વીડિયો પોસ્ટ કરવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેમની કલમ ૧૫૩છ હેઠળ ધરપકડ થઈ હતી. આ પહેલા ૨૦૧૮માં મુંબઈમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી. તેમની બેલાપુર હોટલથી ધરપકડ કરવામાં આવી હતી.
એનસીબી દ્વારા શનિવારે અંધેરીમાં એજાજના ઘરે છાપો મારવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ અંધેરીમાં કરેલી કાર્યવાહીમાં અંદાજે અઢી કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરી અંધેરીથી મીરા રોડ વચ્ચે ડ્રગ્સ સપ્લાય કરનારા રીઢા ડ્રગ તસ્કર સહિત બે જણની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી ચલણ પણ મળી આવ્યું હતું. એનસીબીએ ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ શાદાબ શેખ ઉર્ફે શાદાબ બટાટા અને શાહરુખ ખાન ઉર્ફે શાહરુખ બુલેટ તરીકે થઈ હતી.