ડીઝલ ભરેલા ટેન્કરમાં પંક્ચર થતાં ડીઝલ લૂંટવા લોકોની લાઈનો લાગી

(જી.એન.એસ)પ્રાંતિજ,વાત જ્યારે મફતની હોય ત્યારે લોકો બધુ જ ભૂલી જતા હોય છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં કંઈક આવું જ બન્યું હતું. અહીં એક ડીઝલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો. ટક્કર બાદ ટેન્કરમાં પંક્ચર થઈ ગયું હતું અને તેમાંથી ડીઝલ નીચે ઢોળાવા લાગ્યા હતું. આ વાત જાણીને આસપાસના લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ કે કોરોનાની ગાઇડલાઇન ભૂલીને હાથમાં આવે તે વાસણ લઈને ડીઝલ લેવા માટે દોડી આવ્યા હતા. લોકોએ રીતસરની લાઇનો લગાવી દીધી હતી. બીજી તરફ રોડ પર ડીઝલની જાણે કે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.મળતી માહિતી પ્રમાણે પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ ખાતે એક ડીઝલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો. અહીં ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. રોડની બાજુમાં ઊભા રહેલા ડીઝલ ટેન્કર પાછળ એક ટ્રક ઘૂસી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કરમાં પંક્ચર થઈ ગયું હતું. જેનાથી ડીઝલ નીચે ઢોળાવા લાગ્યું હતું.
રોડ પર ઊભેલા ટેન્કરમાં ટ્રકની ટક્કર બાદ પંક્ચર થતા રોડ પર જ ડીઝલની નદી વહેવા લાગી હતી. આ વાત આસપાસના લોકોને ખબર પડતા જ તેઓ હાથમાં આવે તે વાસણ લઈને દોડ્યા હતા. લોકો ડીઝલ લેવા માટે રીતસરના લઈનમાં ઊભા રહી ગયા હતા.આ અંગેના સામે આવેલા વીડિયોમાં લોકોને વાસણમાં ડીઝલ ભરીને લઈ જતા જોઈ શકાય છે. આ વાતની જાણકારી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને ડીઝલ ટેન્કર પર પાણીનો મારો ચલાવ્યો હતો.બનાવ બાદ પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, જેના પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
અકસ્માત બાદ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને ડીઝલ લેવા માટે પડાપડી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના બનાવો બનતા રહે છે. ભૂતકાળમાં ખાદ્ય તેલ ટેન્કર, શાકભાજી, પેટ્રોલ-ડીઝલ કે પછી ગેરકાયદે લાવવામાં આવતા દારૂના જથ્થા સાથેના વાહનને અકસ્માત નડતા લોકોએ લૂંટ ચલાવી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે.