ઝાડેશ્વર ચોકડી નજીક એસટી બસ-બાઇક વચ્ચે અકસ્માતઃ દંપતિનું મોત

(જી.એન.એસ.)ભરૂચ,ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ગત મોડી રાત્રે ઝાડેશ્વર ચોકડી નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં પતિ-પત્નીના મોત થયા છે. ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક એસટી બસ અને બાઇક વચ્ચે થયેલાં અકસ્માતમાં ખરોડ ગામના પતિ-પત્નીના મોત નીપજ્યા હતાં. આ બનાવ અંગે પોલીસે એસટી બસના ડ્રાયવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગત મોડી રાત્રીના સમયે ભરૂચનાં ઝાડેશ્વર ઓવરબ્રિજ પાસે આવેલી હોટલ ગ્રીનરી સામે એસ.ટી બસનાં ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હતી. એસટી બસની ટક્કરે બાઇક આવી જતાં બાઇક સવાર મહિલા અને પુરૂષનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની ઓળખ કરી હતી. જેમાં અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં રહેતાં ૩૭ વર્ષીય મુકેશ વસાવા અને ૩૫ વર્ષીય રતનબેન વસાવા તરીકે ઓળખ થઇ હતી. બંને પતિ-પત્ની બાઇક પર કામ અર્થે નીકળ્યાં હતાં જ્યાં એસટી બસ તેમના માટે યમદુત બનીને આવી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં હતાં અને બસના ડ્રાયવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.