જરૂરિયાતમંદ માતાઓની સ્થળ ઉપર જ સોનોગ્રાફી કરાશે

ભુજ  : અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં સગર્ભામાતાઓને સ્વાસ્થ્યનું કવચ પહેરવાના કેન્દ્ર તથા રાજય સરકારના સક્રિયા પ્રયાસોના પગલે કચ્છ જિલ્લાની સગર્ભામાતાઓનું તાત્કાલિક નિદાન, તપાસ અને સારવાર થાય એ માટે ઓપીડી વિભાગના રૂમ નં.૧૮માં એક ખાસ અલાયદું કિલનિક ઉભું કરવામાં આવ્યું છે.
જી.કે.ગાયનેક વિભાગના અને કોલેજના એસોસિએટ ડીન ડો.એન.એન.ભાદરકાએ આ ખાસ વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે, સગર્ભામાતાઓની ચકાસણી અને સારવાર ઉપરાંત જરૂરિયાતમંદ માતાઓની સોનોગ્રાફી પણ સ્થળ પર જ કરવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓની એક થી બીજા સ્થળે આવન-જાવન ટાળવા અને તેમને રાહત આપવા લોહી અને પેશાબની તપાસ પણ કરવામાં આવશે. આ વ્યવસ્થા માતા મૃત્યુ પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ બનશે. કેમ કે એક જ સ્થળે નિષ્ણાંતોની દેખરેખ હેઠળ તમામ પ્રકારની સારવાર અને નિદાન કરવાનું હોવાથી સગર્ભામાતા માટે કેટલાક કિસ્સાઓમાં જાેખમી ફેકટર્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે અને તાત્કાલિક સારવારથી ભવિષ્યમાં ઉભી થનારી સંભવિત જટિલતા પણ નિવારી શકાશે.
આ ઓપીડીમાં ડો.ભાદરકાના માર્ગદર્શન હેઠળ સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.નીલમ પટેલ સહિત રેસિ.ડો. તથા પેરામેડિકલ સ્ટાફ પણ મુકવામાં આવ્યો છે. ઓપીડીમાં આ ચકાસણી દરરોજ ૯ થી ૧ દરમ્યાન કરવામાં આવશે.