જી.કે.માં નવો કોવિડ વોર્ડ શરૂ થયો ને ગણતરીના કલાકોમાં જ ફુલ

  • હદ થઈ…! હવે તો બેદરકારો સમજો..! કયાં સુધી રહેશો લાપરવાહ..?

સબ સલામતના દાવા વચ્ચે પોઝિટીવ દર્દીઓથી ઉભરાઈ રહી છે હોસ્પિટલો : જિલ્લામાં અત્ર – તત્ર – સર્વત્ર નિયમોના ધજાગરા ઉડાળતા લોકો કયારે ગંભીરતા સમજશે.? : જિલ્લામાં ૩૮૩ એક્ટિવ કેસ સામે રપ૦થી વધુ દર્દીઓ જી.કે.ના કોવિડ વોર્ડમાં દાખલ : સ્થિતિ વધુ વણસે તે પહેલા લોકો દાખવે સમજદારી

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોના પોઝિટીવના કેસો અને સ્થિતિ મામલે મહાનગરોની સ્થિતિ જોઈ ચિંતા સેવતા કચ્છીઓએ હવે પોતાના મુલકમાં પણ વકરી રહેલી સ્થિતિ અંગે જાગૃત થવાની જરૂર છે. કારણ કે મહાનગરોમાં લોકોની બેદરકારીના કારણે કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે તેવી રીતે કચ્છમાં પણ આજ સ્થિતિની શરૂઆત ભુજથી થઈ છે. કારણ કે, ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ગઈકાલે બપોરે કોવિડનો નવો વોર્ડ શરૂ કરાયો અને ગણતરીના કલાકોમાં જ ફુલ થઈ ગયો જે દર્શાવે છે કે, પરિસ્થિતિ કેટલી ગંભીર છે.? ત્યારે હદ થઈ…! હવે તો બેદરકારો સમજો..! કયાં સુધી રહેશો લાપરવાહ..? કહેવું પણ અતિશ્યોક્તિ નહીં કહેવાય. જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ વિભાગના વડા ડો. નરેન્દ્ર હિરાણીએ કચ્છ ઉદયને આપેલી એક મુલાકાતમાં કોરોના કહેરમાં જે રીતે વધારો થયો છે તેમાં દરેક વ્યક્તિ કોવિડના સરકારી નિયમોનો કડક પાલન કરે તે જરૂરી છે. તેમણે વધુમાં જણવ્યું હતું કે, ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલ છે. અગાઉ અહીં ૩૦૦ બેડની સુવિધા હતી, જે વધારીને હવે ૪૦૦ની કરાઈ છે. હોસ્પિટલના બીજા માળે કોવિડ વોર્ડ કાર્યરત છે, જેમાં સવલત વધારવા હોસ્પિટલના પ્રથમ માળે મેલ મેડિકલ વિભાગમાં ગઈકાલે કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. ગઈકાલે બપોર બાદ આ કોવિડ વોર્ડ શરૂ કરાયો હતો. જો કે, આજે સવારે પાંચ વાગ્યા સુધીમાં આ વોર્ડ દર્દીઓથી ફુલ થઈ ચુકયો હોવાનું નજરે જોનારા વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું. જે દર્શાવે છે કે, દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. જો તમારે આ હોસ્પિટલમાં દાખલ ન થવું હોય તો હજુ પણ સમય છે. અત્યારે જ માસ્ક પહેરો, બહાર નિકળો ત્યારે સામાજીક અંતર જાળવો, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરો. જી.કે. જનરલ હોસ્પિટલના મેડીકલ વિભાગના વડા ડો. નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં કુલ્લ ૭૦૦ બેડની વ્યવસ્થા છે. જેમાં ૪૦૦ બેડ કોવિડ માટે અને અન્ય ૩૦૦ બેડ નોન કોવિડ દર્દીઓ માટે રિઝર્વ છે. હાલની સ્થિતિએ રપ૦થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લેતા હોવાનું જણાવ્યું હતું.