જી.કે.માં તબીબોની માનસિક હુંફ મારા અંતરમનમાં સદાય કંડારેલી રહેશે

બબ્બે જીવ સાથે મુન્દ્રાના કોરોનાગ્રસ્ત ભાવિનિબેન ખાનગી હોસ્પિટલ પછી જી.કે.માં આવ્યા અને માતા- બાળકને મળ્યો પ્રાણવાયુ

ભુજ : મુન્દ્રાના ભાવિનીબેન માલમ (બંદરીય)ને ચાર મહિનાનો ગર્ભ હતો અને તેમને કોરોના થયો. તેઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં આઠ દિવસ રહ્યા, પરંતુ સુધારાને બદલે ઓક્સિજન સ્તર ૫૦ ઉપર આવી ગયું છેવટે તેમના નિકટજનોએ તેમને જી.કે.માં દાખલ કર્યા. તબીબો સામે એક સાથે બબ્બે જીવને બચાવવાનો પડકાર ઊભો થયો. કેસ ગંભીર જણાતા નોર્મલ ઓક્સિજનને બદલે આઈસીયુ જ અંતિમ ઉપાય જણાયો. આઈસીયુમાં મળીને કુલ ૧૦ દિવસની સારવાર બાદ જ બહેન સામાન્ય વ્યક્તિની માફક શ્વાસ લેતા થયા ત્યારે જ તેમને ઘરે જવાની પરવાનગી આપવામાં આવી. માત્ર પોતે જ નહીં પણ તેમના ઉદરમાં પોષાતા બાળકનો પણ બચાવ થયેલો જાેઈ ભાવવિભોર બનેલા ભાવિનીબહેને કહ્યું કે, જી.કે.ના તબીબોએ દવા અને ઓક્સિજન આપી યોગ્ય સારવાર કરી પણ તેમણે મારામાં રોપેલી માનસિક હુંફ મારા અંતરમનમાં સદાય કંડારેલી રહેશે. જી.કે.માં તેમની સારવારમાં ફિઝિશિયન ડો. યેશા ચૌહાણ, ડો. ચંદન ચુડાસમા સહિતના તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફ તથા જી.કેના મનોચિકિત્સક ડો. ચિરાગ કુંડલિયાના માર્ગદર્શન હેઠળ સાઇકોલોજિસ્ટ કાઉન્સેલર કરિશ્માબેન પારેખે દર્દીને માનસિક રીતે તૈયાર કર્યા હતા. એનેસ્થેટિક વિભાગના ડો. નિરાલી ત્રિવેદી અને સ્ત્રીરોગ વિભાગના સિની.રેસિ. ડો. ક્રિષ્ના દેસાઇ પણ સારવારમાં જાેડાયા હતા.